ગુજરાતમાં જાહેર પરિવહન વાહનો પર “પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનો” સૂત્રની અમલવારી
કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી સરકારનો આભાર માનતા મિતલ ખેતાણી
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશભરમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને સહઅસ્તિત્વનો સંદેશ વધુ વ્યાપક બને તે હેતુસર ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport & Highways) દ્વારા જાહેર પરિવહન વ્યવસ્થામાં “Be Kind to Animals – પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનો” સૂત્રના અમલીકરણ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આ દિશામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યની બસોમાં આ સંદેશનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું છે.
આ અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સત્તાવાર પત્રમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તા. 25/02/2025 તથા તા. 16/06/2026ના પરિપત્રોના અનુસંધાનમાં રાજ્યની તમામ GSRTC બસોમાં “પશુઓ પર દયા કરો” (Be Kind to Animals) સંદેશ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોમાં પશુઓ પ્રત્યે કરુણાભાવ, જવાબદારી અને સંવેદનશીલતા વિકસાવવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી જાહેર પરિવહન સહિત વિવિધ જાહેર સ્થળોએ પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનવાનો સંદેશ પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા સંબંધિત વિભાગોમાં અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.


