આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારૂ ચોમાસું કયાંક આસપાસ છે
મૂકો લાપસીના આંધણ! ચોમાસુ બે’દિ છેટું
તા.૧3મીથી ગુજરાતમાં પ્રવેશ કરશે વર્ષાઋતુ : દક્ષિણ વિભાગને તરબોળ કરી તા.૧૫મીથી સૌરાષ્ટ્રને ભીંજવશે વાદળાઓ : રાજયમાં જામતો માહોલ
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશના 16 રાજ્યોમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં આજે 1 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી માહોલ જામવાની શક્યતા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ભારે પવન સાથે વરસાદ પડ્યો. જો કે, આ પહેલાં આગામી બે દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે. જ્યારે 42 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે. આમ, રાજ્યભરમાં એક તરફ અસહ્ય ઉકળાટ અને બીજી તરફ ચોમાસાના આગમનની આતુરતા વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
આગાહી મુજબ, આગામી 3 દિવસ એટલે કે 13 જૂનની સવાર સુધી દક્ષિણ ગુજરાતના માત્ર ગણતરીના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.
ત્યારબાદ, 13 જૂનથી વરસાદનો વ્યાપ વધશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
14થી 15 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, જેમ કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
ચોમાસાની રાષ્ટ્રીય સ્થિતિ
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું બાકીના ભાગો, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે તે માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલમાં ગુજરાતના નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમીથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. મોનસૂને કેરળમાં દસ્તક આપ્યાના 6 દિવસમાં પૂર્વોત્તરના તમામ રાજ્યોને આવરી લીધા છે. મંગળવારે તે મિઝોરમ, મેઘાલય, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ પહોંચ્યો. અત્યાર સુધીમાં 16 રાજ્યોમાં મોનસૂનની એન્ટ્રી થઈ ચૂકી છે.


