રેલવે ભ્રષ્ટાચાર મુદ્દે અમરેલી સાંસદ ભરત સુતરીયા લાલઘૂમ
જીરા રેલ્વે સ્ટેશન પર અધિકારીઓ-કોન્ટ્રાક્ટરની મિલીભગત ખુલ્લી પાડી : વડાપ્રધાનના ‘ટનાટન રેલવે’ના સપના પર ભાવનગર ડિવિઝનના અધિકારીઓએ ફેરવ્યું પાણી
૬ કરોડના કામોમાં લાલિયાવાડી સામે આવતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને નબળું બાંધકામ તોડી પાડવા કડક આદેશ
અગ્ર ગુજરાત, સાવરકુંડલા
કેન્દ્રની મોદી સરકાર દેશના રેલ્વે સ્ટેશનોને આધુનિક અને ટનાટન બનાવવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે, ત્યારે ભાવનગર ડિવિઝનના રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલાના જીરા રેલ્વે સ્ટેશન પર કરોડોના ખર્ચે બનેલા પ્લેટફોર્મની નબળી ગુણવત્તા સામે આવતા અમરેલીના સાંસદ ભરત સુતરીયા ખુદ મેદાને આવ્યા છે અને આક્રમક વલણ અપનાવી ભ્રષ્ટાચારીઓ સામે શિંગડા ભેરવ્યા છે.
જીરા રેલ્વે સ્ટેશનના નવા બનેલા પ્લેટફોર્મમાં લોટ, પાણીને લાકડા જેવી નબળી કામગીરી થઈ હોવા અંગે સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે ચાર દિવસ પહેલાં સાંસદ ભરત સુતરીયાને લેખિતમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈ સાંસદ સુતરીયા કોઈ પણ પૂર્વ સૂચના વગર સીધા જીરા રેલ્વે સ્ટેશન પહોંચી ગયા હતા. સ્થળ પર નિરીક્ષણ દરમિયાન પ્લેટફોર્મનું નબળું કામ નજર સમક્ષ આવતા જ સાંસદનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે તાત્કાલિક સંબંધિત ઉચ્ચ રેલવે અધિકારીઓનો ઉધડો લીધો હતો.
જીરા રેલ્વે સ્ટેશન પર અંદાજે ૬ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો અંતર્ગત આ પ્લેટફોર્મનું કામ થોડા મહિના પહેલાં જ કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચારના આ ખેલ પર આકરા પ્રહારો કરતા સાંસદ ભરત સુતરીયાએ રેલવેના અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, જે નબળું કામ થયું છે તેને તાત્કાલિક તોડી પાડીને નવેસરથી મજબૂત કામ કરવામાં આવે. આ સાથે જ તેમણે જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક કાનૂની કાર્યવાહી કરવા તેમજ તેને બ્લેકલિસ્ટ કરવા માટેની કડક સૂચના આપી છે.
પ્રજાનો પૈસો વેડફાશે તો સહન નહીં કરાય: સાંસદની ચીમકી
સ્થળ પરથી જ આક્રોશ વ્યક્ત કરતા સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર રેલવેના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી કે લાંચિયા વૃત્તિને કારણે પ્રજાનો એક પણ રૂપિયો વેડફાય તે ક્યારેય ચલાવી લેવામાં કે સહન કરવામાં આવશે નહીં.”
સાંસદના આ આક્રમક મૂડને પગલે રેલવેના ભાવનગર ડિવિઝનના ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે જવાબદાર એજન્સી અને મિલીભગત કરનારા અધિકારીઓ જેલ ભેગા થાય છે કે પછી સમગ્ર મામલા પર પરદો પાડી દેવામાં આવે છે.


