ઉપલેટા તાલુકા પંચાયતમાં કારોબારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને દંડકની કરાઈ વરણી
દંડકના નામ મુદ્દે ‘પતિરાજ’નો ઉગ્ર વિરોધ, બંધ બારણે મિટિંગ બાદ જશીબેનને સ્થાને પ્રવીણાબેન પર કળશ ઢોળી ડેમેજ કંટ્રોલ કરાયું
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં વિવિધ સમિતિઓના ચેરમેન અને અન્ય મહત્વના હોદ્દેદારોની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ માટે સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, પોતાને શિસ્તબદ્ધ અને કેડરબેઝ ગણાવતી ભાજપ પાર્ટીમાં આ નિમણૂક પ્રક્રિયા સરળ રહેવાને બદલે ભારે વિવાદ અને ડ્રામાથી ભરપૂર રહી હતી. હોદ્દેદારોની નિમણૂક વેળાએ પાર્ટીનો આંતરિક વિખવાદ, જૂથવાદ અને ચૂંટાયેલી મહિલા પાંખમાં ‘પતિરાજ’નો ખુલ્લો હસ્તક્ષેપ છતો થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી પક્ષનો સત્તાવાર મેન્ડેટ લઈને ઉપલેટા પહોંચ્યા હતા. નિયમ અને પ્રણાલી મુજબ, આ મેન્ડેટ સૌપ્રથમ પંચાયત પ્રમુખની ઓફિસ (ચેમ્બર)માં ખોલવામાં આવ્યો હતો અને તેમાં રહેલા નામોની જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતની જાહેરાતોમાં બધું સમુસૂતરું લાગી રહ્યું હતું. પાર્ટીના આદેશ અનુસાર, ઢાંક-૧ બેઠક પરથી ચૂંટાયેલા ડૉ. જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ચંદુભાઈ જાદવ અને શાસક પક્ષના નેતા તરીકે રાજેશભાઈ વાલોદરિયાના નામની જાહેરાત કરાઈ હતી.
પરંતુ, અસલી રાજકીય ગરમાવો ત્યારે આવ્યો જ્યારે ‘દંડક’ પદ માટેના નામની જાહેરાત થઈ. મેન્ડેટમાંથી દંડક તરીકે સૌપ્રથમ જશીબેન સંજયભાઈ મુછારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ નામ જાહેર થતાંની સાથે જ ઓફિસમાં સોપો પડી ગયો હતો અને એક જૂથમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી. ખાસ કરીને, જશીબેનના પ્રતિનિધિ તરીકે હાજર તેમના પતિદેવે આ હોદ્દા કે નિર્ણયને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલા સદસ્યના સ્થાને તેમના પતિ દ્વારા કરવામાં આવેલો આ ખુલ્લો વિરોધ અને નારાજગી એટલી હદે વધી ગઈ કે વાત નેતાઓના હાથમાંથી સરકવા લાગી હતી. હંમેશા સંગઠન અને શિસ્તની વાતો કરતા નેતાઓ અને કાર્યકરો વચ્ચેનો આ આંતરિક રોષ જાહેરમાં આવી ગયો હતો.
આ વિખવાદ સત્તાવાર રીતે અધિકારીઓ સુધી પહોંચે અને મીડિયામાં પાર્ટીની વધુ ફજેતી થાય તે પહેલાં જ, સ્થાનિક અને જિલ્લાના નેતાઓએ ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. નારાજ જૂથને મનાવવા અને વિવાદને શાંત કરવા માટે તાત્કાલિક અસરથી એક બંધ દરવાજા પાછળ મિટિંગનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ મેરેથોન સમજાવટ, દલીલો અને આંતરિક ખેંચતાણ બાદ અંતે પક્ષે નમતું જોખવું પડ્યું હતું.
બંધબારણે લેવાયેલા નિર્ણય મુજબ, દંડક તરીકે જાહેર કરાયેલું પ્રથમ નામ એટલે કે જશીબેન સંજયભાઈ મુછારનું નામ સત્તાવાર યાદીમાંથી પડતું મૂકવામાં આવ્યું હતું. તેમની જગ્યાએ તાત્કાલિક નિર્ણય બદલીને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવીણાબેન પિયુષભાઈ હુંબલનું નામ દંડક તરીકે ફાઇનલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જ આ સુધારેલી નામાવલિને સત્તાવાર રીતે સંબંધિત અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ નિમણૂકો બાદ, નવનિયુક્ત કારોબારી ચેરમેન ડૉ. જયેન્દ્રસિંહ વાળાએ પ્રદેશ ભાજપ, જિલ્લા અને તાલુકા સંગઠનનો આભાર માન્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વિરડા, પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા, જિલ્લા કો-ઓપરેટિવના સભ્ય સંજયભાઈ લુણાસિયા, નગરપાલિકાના સદસ્ય વિક્રમસિંહ સોલંકી તેમજ અલગ-અલગ ગામોના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, બહારથી બધું બરાબર હોવાનો દેખાવ કરવામાં આવ્યો હોવા છતાં, દંડકની નિમણૂક સમયે સર્જાયેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા અને છેલ્લી ઘડીએ મેન્ડેટમાં થયેલા ફેરફારે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે, ઉપલેટા તાલુકા ભાજપમાં અંદરખાને ભારે ખેંચતાણ અને અસંતોષની આગ હજુ પણ ધૂંધવાઈ રહી છે. મહિલા અનામતની બેઠકો પર ‘પતિરાજ’નો ખુલ્લો પડકાર પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે.


