વરૂણદેવને મનાવવા વિરપુરમાં ખેડૂતોની ૧૨ કલાકની અખંડ રામધૂન યોજાઈ
શ્રીરામના અવિરત જાપ સાથે સારા વરસાદ માટે પ્રાર્થના કરતા ભાવિકો
અગ્ર ગુજરાત, વીરપુર
સતીમાં રતનમાં ની દેરી ખાતે સતીમાં યુવક મંડળ દ્વારા અખંડ રામધુનનું આયોજન કરાયું, વરસાદના અભાવે પાક મુરઝાવાની ચિંતા વચ્ચે ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનોએ શ્રીરામના અવિરત જાપ સાથે સારા વરસાદ માટે કરી પ્રાર્થના
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પંથકમાં ચાલુ વર્ષે મેઘરાજાની મહેર ઓછી રહેતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વરસાદના અભાવે ખેતરોમાં વાવેલા પાક મુરઝાઈ જવાની ભીતિ વચ્ચે ધરતીપુત્રોએ ભગવાનના શરણે જઈ વરૂણદેવને મનાવવા ૧૨ કલાકની અખંડ રામધૂનનું આયોજન કર્યું હતું.
વીરપુર ખાતે સતીમાં રતનમાની દેરી ખાતે સતીમાં યુવક મંડળના આયોજન હેઠળ સમસ્ત વિરપુર ગામના ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનોએ શ્રદ્ધાભાવપૂર્વક અખંડ રામધૂનમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “શ્રીરામ જય રામ જય જય રામ” ના અવિરત જાપ સાથે સમયસર અને સારો વરસાદ વરસે તેમજ ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકને નવજીવન મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
અખંડ રામધૂનમાં ગામના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધાર્મિક વાતાવરણ વચ્ચે સૌએ એકસ્વરે ભગવાન શ્રીરામ તથા પૂજ્ય સંત શ્રી જલારામ બાપાને પ્રાર્થના કરી કે મેઘરાજા વહેલી તકે પ્રસન્ન થાય અને સમગ્ર પંથક પર અમૃતરૂપી વરસાદ વરસાવી ખેડૂતોના વાવેતર કરેલા પાકને મુરઝાતા બચાવે.
વીરપુર પંથકમાં વરસાદ માટે યોજાયેલી આ ૧૨ કલાકની અખંડ રામધૂન માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ ખેડૂતોની અડગ આસ્થા, સામાજિક એકતા અને કુદરત પ્રત્યેની શ્રદ્ધાનું જીવંત પ્રતિક બની રહી હતી.


