ઉનાના કાજરડી ગામની દીકરી ભારતીય નેવીમાં અગ્નિવીર બની
પુત્ર IPS બનવાના માર્ગે, બીજી પુત્રી આર્મીની તૈયારીમાં : 54 વર્ષે પણ પિતા મેરેથોનના ચેમ્પિયન
અગ્ર ગુજરાત, ઉના
ઘણા લોકો સંતાનો માટે સંપત્તિ છોડી જાય છે, પરંતુ કેટલાક માતા-પિતા એવા પણ હોય છે, જે સંતાનોને સંસ્કાર, શિક્ષણ અને દેશપ્રેમની એવી મૂડી આપે છે કે પેઢીઓ સુધી સમાજ તેમને યાદ રાખે. ગીર સોમનાથ જિલ્લાના કાજરડી ગામના ખેડૂત રાઠોડ બીજલભાઈ રામભાઈ એવી જ એક જીવંત પ્રેરણા છે.
માત્ર છ વિઘા જમીન, ખેતી અને મજૂરીથી ચાલતું ઘર, આર્થિક સંકડામણ અને છ સંતાનોની જવાબદારી છતાં જીવન સામે હાર માનવાને બદલે બીજલભાઈએ સંઘર્ષ ને જ પોતાની તાકાત બનાવી.પોતે ટી.વાય. બી.એડ. સુધી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ પોતાના દરેક સંતાનને શિક્ષણ અને દેશસેવાના માર્ગે આગળધપાવવા નું જીવનધ્યેય બનાવ્યું.
એક સમય હતો જ્યારે કાજરડી ગામ દારૂ અને નશાના દુષણો માટે ઓળખાતું હતું. પરંતુ આજે એ જ ગામ શિક્ષણ, રમતગમત અને રાષ્ટ્રપ્રેમનીનવીઓળખબનાવી રહ્યું છે. આ પરિવર્તનમાં બીજલભાઈ જેવા જાગૃત પરિવારોનો સૌથી મોટો ફાળો રહ્યો છે.બીજલભાઈ એ પોતાના સંતાનોને માત્ર પુસ્તકોનું જ જ્ઞાન આપ્યું નહીં, પરંતુ રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન, દેશ માટે જીવવાની ભાવના અને મહેનતથી સપના સાકાર કરવાની પ્રેરણા પણ આપી.
તેનું સૌથી સુંદર પરિણામ ત્યારે સામે આવ્યું જ્યારે તેમની પુત્રી કિરણબેન બીજલભાઈ રાઠોડ વર્ષ 2022માં ભારતીય નેવીમાં અગ્નિવીર તરીકે પસંદગી પામી. કાજરડી ગામની જ નહીં, સમગ્ર ઉના તાલુકા અને કોળી સમાજની પ્રથમ દીકરી તરીકે તેમણે દેશ સેવાનું ગૌરવ મેળવ્યું. હાલમાં તેઓ વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળમાં ફરજ બજાવી રહ્યા છે.
તાજેતરમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે યોજાયેલા કાર્યક્રમમાં કિરણબેને ભાગ લીધો અને સંવાદ કરવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો. દેશના સર્વોચ્ચ રક્ષણ નેતૃત્વ સમક્ષ કાજરડીની દીકરીની હાજરી સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની.
બીજી તરફ પરિવારના અન્ય સંતાનો પણ સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે. એક પુત્રી ઉચ્ચ અભ્યાસ સાથે ભારતીય સેનામાં જોડાવા માટે તૈયારી કરી રહી છે, જ્યારે પુત્ર દિવ્યેશ બી.એસ.સી. પૂર્ણ કરીને આઈ પી એસ અધિકારી બનવાનું લક્ષ્ય લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.
બીજલભાઈ માત્ર પ્રેરણાદાયી પિતા જ નહીં, પરંતુ શ્રેષ્ઠ રમતવીર પણ છે. 54 વર્ષની ઉંમરે પણ તેઓ સતત ચોથી વખત 8 કિલોમીટરની મેરેથોનમાં પ્રથમ આવ્યા છે. વર્ષ 1990થી રાષ્ટ્રીય અને યુનિવર્સિટી કક્ષાની દોડ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર બીજલભાઈ આજે પણ યુવાનોને તંદુરસ્તી અને શિસ્ત નો સંદેશ આપી રહ્યા છે.
આ પરિવારના માત્ર એક સમાચાર નથી, પરંતુ એ સાબિતી છે કે ગરીબી સપનાઓને રોકી શકતી નથી. સાચા સંસ્કાર, શિક્ષણ અને સંઘર્ષ હોય તો સામાન્ય ખેડૂતનું ઘર પણ દેશના રક્ષકો અને ભવિષ્યના અધિકારીઓનું ઘડતર કરી શકે છે. પ્રેરણાની વાત એ છે કે વારસામાં જમીન નહીં, સંસ્કાર આપો સંપત્તિ નહીં, શિક્ષણઆપો સંતાનો પોતાનું આકાશ જાતે શોધી લેશે.તેવુ લક્ષ્યાંક રાઠોડ બીજલભાઈ રામભાઈ એ રાખ્યું છે.
બીજી પુત્રી ભારતીય સેનામાં ભરતી માટે તૈયારી કરી રહી છે.પુત્ર દિવ્યેશ આઈ.પી.એસ બનવાના લક્ષ્ય સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગ્યો છે અને અન્ય નાના પુત્ર હજુ અભ્યાસ તરફ આગળ વધી રહ્યા છે.
કાજરડીના ખેડૂત બીજલભાઈ રાઠોડે સાબિત કરી દીધું છે કે સંઘર્ષ જ્યારે સંસ્કાર સાથે જોડાય છે, ત્યારે એક સામાન્ય ઘર પણ દેશ માટે અસાધારણ સંતાનો ઘડી શકે છે. આ પરિવાર આજે માત્ર કોળી સમાજનું જ નહીં, પરંતુ સમગ્ર ગીર સોમનાથ અને ગુજરાતનું ગૌરવ બની ગયો છે.54 વર્ષિય ઉંમરે પોહોચી ગયેલાં બીજલ ભાઈ રાઠોડ આજે પણ દેશભરમાં યોજાતી મેરેથોન મા પોતાનું કૌવત અને કૌશલ્ય બતાવવા ભાગ લેવા જતાં હોય છે ખેતિ ની જવાબદારી પોતાની પત્નિ સંભાળી કુટુંબ ની જવાબદારી નિભાવી રહ્યા છે.


