શહેરીજનોની સમસ્યાનો સ્થળ પર જ નિકાલ કરાશે
અરજદારોને કચેરી સુધી ધક્કા ખાવા નહી પડે : વોર્ડ સમિતિઓને ફરી સક્રિય કરતા મેયર : દરેક સમિતિઓને બેઠક નિયમિત યોજવા અને લોકોના પ્રશ્નોની સમીક્ષા કરવા સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાપાલિકામાં લાંબા સમયથી વોર્ડ સમિતિ કાર્યરત છે. જોકે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં વોર્ડ સમિતિ નિષ્ક્રિય હતી. મેયર ડો. નેહલ શુક્લ દ્વારા આ તમામ વોર્ડ સમિતિને જાગૃત કરવાનો અત્યંત મહત્વનો અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાં દ્વારા લોકોની સ્થાનિક સમસ્યાનો સ્થળ પર જ અને ઝડપી નિકાલ લાવી શકાશે. વોર્ડ સમિતિઓમાં જે-તે વોર્ડનાં કોર્પોરેટરો ઉપરાંત ડેપ્યુટી કમિશનર સહિતનાનો સમાવેશ થાય છે. જેને લઈને નાના-મોટા પ્રશ્નો માટે લોકોને કચેરી સુધી ધક્કો ખાવાની જરૂર પડશે નહીં. અને આવનારા સમયમાં રાજકોટવાસીઓની સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવી શકાશે.
આ સમિતિઓ માત્ર કાગળ પર ન રહે અને લોકોના કામો ખરેખર સમયસર થાય તે માટે મેયર દ્વારા અત્યંત કડક અને વ્યવસ્થિત સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. દરેક વોર્ડ સમિતિની નિયમિત રીતે બેઠક મળશે. આ બેઠકોમાં નાગરિકોની રજૂઆતો અને વિકાસના કામોની સમીક્ષા ખૂબ જ ઝીણવટપૂર્વક કરવામાં આવશે. આજે મેયરે સવારના સમયે વોર્ડ નં. 2ની વોર્ડ સમિતિની સાથે બેઠક યોજી હતી. આગામી દિવસોમાં અન્ય સમિતિની સાથે બેઠકો યોજવામાં આવશે. અને ટૂંક સમયમાં આ વોર્ડ સમિતિનાં ચેરમેનો નક્કી કરવામાં આવશે. ખૂબ જ ટૂંક સમયમાં ગ્રાઉન્ડ લેવલ પર સમિતિઓ કામ કરતી જોવા મળશે.
મેયરે જણાવ્યું હતું કે, BPMC એક્ટમાં કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓ મુજબ જ રાજકોટ મહાપાલિકામાં આ વોર્ડ સમિતિઓની રચના કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ રાજકોટમાં આ પ્રકારે વોર્ડ સમિતિઓની રચના કરીને પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ સમયાંતરે વહીવટી અને રાજકીય સમીકરણો બદલાતા આ વ્યવસ્થા માત્ર નામ પૂરતી રહી હતી. લાંબા સમયના અંતરાલ બાદ હવે વોર્ડ સમિતિના માધ્યમથી લોકોના રોડ-રસ્તા, ડ્રેનેજ અને સફાઈ જેવા વિવિધ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા પ્રયાસ કરાશે.
મનપામાં પદ નહી મેળવનાર કોર્પોરેટરોને જવાબદારી
આ વિશેષ સમિતિઓમાં દરેક વોર્ડના 4 કોર્પોરેટરોનો સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને જે કોર્પોરેટરોને પેટા સમિતિમાં ચેરમેનનું પદ મળ્યું નથી અથવા જેઓ સ્ટેન્ડિંગ સમિતિના સભ્યો બની શક્યા નથી એવા તમામ કોર્પોરેટરોને તેમના પોતાના વોર્ડ પૂરતા સમિતિના ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આનાથી દરેક લોકપ્રતિનિધિને પોતાના વિસ્તારના વિકાસ માટે સીધી સત્તા અને સક્રિય ભૂમિકા મળશે. સ્થાનિક લોકપ્રશ્નોની સાચી અને સચોટ માહિતી મળી રહે તે માટે સમિતિમાં સ્થાનિક વોર્ડ સંગઠનના વોર્ડ પ્રમુખ, પ્રભારી સહિતના અગ્રણી હોદ્દેદારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરો, આસિસ્ટન્ટ કમિશનરો, સિટી ઇજનેરો, વોર્ડ ઓફિસર તેમજ વોર્ડની અલગ-અલગ શાખાના નાના-મોટા તમામ કર્મચારીઓને પણ આ સમિતિમાં આવરી લેવામાં આવ્યા છે.
નાના-મોટા કામના ઠરાવની સમિતિને સત્તા : મેયર
મેયર ડો. નેહલ શુક્લનાં જણાવ્યા મુજબ વોર્ડ સમિતિ દ્વારા પોતાના વિસ્તારના રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ સહિત નાના-મોટા પ્રશ્નો, સમસ્યાઓ અને જરૂરી વિકાસકામો અંગે શાખાના અધિકારીઓને સીધા જ સૂચનો કરવામાં આવશે. આ સમિતિ પરસ્પર ચર્ચા-વિચારણા કરીને વોર્ડ સંબંધિત નાના-મોટા વિકાસ કામો અંગેના સત્તાવાર ઠરાવો પસાર કરશે. આ તમામ ઠરાવોને વધુ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલી આપવામાં આવશે. અને સ્ટેન્ડિંગ કમિટી આ ઠરાવો પર ત્વરિત અને આખરી નિર્ણય લઈને જરૂરી બજેટ તથા મંજૂરીઓ આપશે.


