રાજકોટમાં અંડર-૧૩ સ્ટેટ સિલેક્શનમાં ૫૦ ખેલાડીઓની ઉત્સાહભરી ભાગીદારી
સિનિયર સિટીઝન માટે આયોજીત ટુર્નામેન્ટમાં ૭૫ વર્ષની વયના ખેલાડીઓ ઉત્તમ રમત દાખવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિટી પોલીસ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડક્વાર્ટર ખાતે તાજેતરમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ અંડર-૧૩ બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેટ સિલેક્શન ચેસ સ્પર્ધા ઉત્સાહભેર યોજાઈ હતી. આ સ્પર્ધામાં રાજકોટ જિલ્લાના ૩૮ બોયઝ અને ૧૨ ગર્લ્સ મળી ૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આટલી મોટી સંખ્યામાં બાળકોની હાજરીએ રાજકોટમાં ચેસ રમત પ્રત્યે ખેલાડીઓ અને વાલીઓમાં વધી રહેલા રસ અને જાગૃતિનું સુંદર પ્રતિબિંબ પૂરું પાડ્યું હતું.
અંડર-૧૩ બોયઝ કેટેગરીમાં હેરીન પટેલ પ્રથમ, મૌલિક પરમાર દ્વિતીય અને શ્રેયાંસ મેહતા તૃતીય સ્થાને રહ્યા હતા. જ્યારે ગર્લ્સ કેટેગરીમાં રોશની બુશા પ્રથમ, રુદ્રા ગગલાણી દ્વિતીય અને ત્વીશા ગોંડલીયા તૃતીય સ્થાને રહ્યા હતા. બંને કેટેગરીમાંથી પ્રથમ બે ખેલાડીઓ સ્ટેટ સિલેક્શન માટે આગળ રમવા જશે. આ સાથે સિનિયર સિટીઝન માટે પણ ખાસ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને ૭૦ થી ૭૫ વર્ષની વયના ખેલાડીઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. સિનિયર સિટીઝન કેટેગરીમાં યોગેશભાઈ પટેલ પ્રથમ, મહેશભાઈ ચૌહાણ દ્વિતીય અને લલિતભાઈ નિર્મળ તૃતીય સ્થાને રહ્યા હતા. આ કેટેગરીમાં પ્રથમથી પાંચમા ક્રમે આવેલા ખેલાડીઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
બાળકોની સ્પર્ધામાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભાગ લેનારા ખેલાડીઓને પ્રમાણપત્રો આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. વિજેતા ખેલાડીઓને શૈલીબેન અજમેરા, હેતલબેન ઝાલા અને જાગૃતિબેન બાબરીયા દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઓમ્નિટેક એન્જિનિયરિંગ લિમિટેડના CMD ઉદયભાઈ પારેખના સહયોગથી સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ અને તેમની સાથે આવેલા વાલીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતાં ખેલાડીઓ, વાલીઓ અને આયોજકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ ટુર્નામેન્ટના આયોજન માટે RDCA ના પરિનભાઇ, નિશ્ચલ સંઘવી, પંચમીયા તેમજ એહસાસ ટ્રસ્ટના કૂ. કિન્નરીબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર ટુર્નામેંટનું સફળ સંચાલન હર્ષદભાઈ ડોડીયા, જશરાજભાઈ, મિતેશભાઈએ કરેલ અને આર્બિટર તરીકે જયભાઇ ડોડીયાએ સેવા આપેલ હતી.


