મોરબીમાં રાકેશ અમૃતિયાના નિવેદનના ત્રણ દિવસ બાદ ધંધાના સ્થળે દરોડા
ટીંબડીમાં ડેલ્ટા સ્ટોન ક્રશર પર રવિવારે ખાણ-ખનીજ વિભાગ ત્રાટકયું : દરોડાના પડઘા ખેડૂત આંદોલનમાં મોટા પાયે પડવાની ચર્ચા
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે, બસ સ્ટેન્ડની સામે ‘ડેલ્ટા સ્ટોન’ નામના સ્ટોન ક્રશર (ભરડીયા) આવેલી છે. ત્યાં રવિવારે ખાણ ખનીજ વિભાગ અને વીજ કંપનીની ટીમોએ અચાનક ત્રાટકીને સ્ટોક વેરિફિકેશન સહિતની તપાસ હાથ ધરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સામાન્ય રીતે રવિવારના રજાના દિવસે સરકારી અધિકારીઓ આવી કામગીરી કરવાનું ટાળતા હોય છે, પરંતુ રવિવારે જ થયેલી આ આકસ્મિક કાર્યવાહીને પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનને લઈને જેતપરમાં યોજાયેલી બેઠક બાદ આભારવિધિ દરમિયાન મંત્રીઓને 108માં ઘાલવાની વાત કરી હતી. જ્યારે કલેક્ટરને ચીમકી આપી હતી.
આ સ્ટોન ક્રશરના ભાગીદાર રાકેશ અમૃતિયા છે, જેઓ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ છે. રાકેશ અમૃતિયા શરૂઆતથી જ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન સાથે જોડાયેલા છે અને તેમણે 19 દિવસ સુધી ઉપવાસી છાવણી ખાતે આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. આંદોલન પૂર્ણ થયા બાદ ગત તારીખ 9ના રોજ જુદા જુદા જિલ્લાના ખેડૂત આગેવાનોની હાજરીમાં એક સભા યોજાઈ હતી. આ સભામાં આભાર વિધિ કરતી વખતે રાકેશ અમૃતિયાએ રાજ્યના મંત્રીઓને ‘108’માં નાખવાની તેમજ તેમના ઝભ્ભા ફાડી નાખવાની ઉગ્ર વાત કરી હતી.
એટલું જ નહીં, તેમણે મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર વિરૂદ્ધ પણ અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને તેમને મોરબી લાવીને ખેતરોમાં નખાતા ખાનગી કંપનીના વીજપોલ સાથે બાંધી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ વિવાદાસ્પદ નિવેદનની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ, તેના માત્ર 3 દિવસમાં રવિવારે ખાણ ખનીજ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી ગઈ હતી. તેની સાથે જ વીજ કંપનીની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સંયુક્ત તપાસ શરૂ કરી દીધી હતી.
રવિવારના દિવસે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને રાકેશ અમૃતિયાના ભાષણના પ્રત્યાઘાત તરીકે જોવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી દિવસોમાં આ દરોડાના પડઘા ખેડૂત આંદોલનમાં પણ મોટા પાયે જોવા મળી શકે છે.


