અક્ષર ન લખતા માસૂમ બાળકને ટિચરે ડામ આપ્યા
રેલનગરના શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપનો બનાવ : કોચીંગ કલાસમાં માસૂમ સાથે બનેલી અમાન્વીય ઘટના
ખાનગી કોચિંગ ક્લાસીસ પર સરકારની ઢીલી નીતિ બાળકો માટે જોખમી સાબિત થઈ રહી છે : કોંગ્રેસ
આરોપી સામે કડક કાર્યવાહી અને બાળ સુરક્ષાના કડક નિયમો લાગુ કરવાની માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપમાં ફક્ત ચાર વર્ષના માસુમ બાળક પર શિક્ષિકાની ક્રૂરતા સામે આવી છે. ટ્યુશનમાં ગયેલો માસુમ બાળક લખતો ન હોય શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક બાળકને ડામ આપ્યો હતો. બાદમાં બાળક સાથે બર્બરતા આચર્યા પાછળનું કારણ પૂછવા ગયેલા કાકા સાથે પણ શિક્ષિકાએ બોલાચાલી કરી હતી. સમગ્ર મામલે પ્ર.નગર પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે રાજકોટમાં રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ ફ્લેટ નં.સી-508 માં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા 36 વર્ષીય યુવાન વિશાલભાઇ હરેશભાઈ યાદવે આરોપી તરીકે શિક્ષિકા નિરાલીબેન અશ્વિનભાઇ (રહે. રેલનગર, શ્યામજી ક્રુષ્ણવર્મા ટાઉનશીપ ઈ-408, સનરાઈજ સ્કુલની બાજુમા,રાજકોટ)નું નામ આપતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.
વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે રીક્ષા લઇ ઘરે પહોંચેલ હતો. દરમીયાન આશરે આઠ વાગ્યે ભાભી ગાયત્રીબેન ધર્મેશભાઇ યાદવએ વાત કરેલ કે, મારો દીકરો કશ્યપ (ઉ.વ.4) આપણા ઘર નજીક રહેતા નીરાલીબેનના ઘરે ટ્યુસનમા ગયેલ હતો. જયાં શિક્ષિકા નીરાલીબેને તેને ડાબા પગના સાથળ ઉપર તાવીથો ગરમ કરી ડામ દીધેલ છે. જેથી આ બાબતે નીરાલીબેનના ઘરે ઠપકો આપવા ગયેલ હતો. નીરાલીબેનને પુછેલ કે, આ નાના દીકરાને કેમ ડામ આપેલ છે? જે સાંભળી નિરાલીબેન એકદમ ઉશ્કેરાય ગયેલ અને કહેલ કે, છોકરો લખતો ન હતો જેથી આવુ કરેલ છે, તેમ છતા તમારે જે કાઇ કરવુ હોય તે કરી લો તેમ કહી જેમફાવે તેમ બોલવા લાગેલ હતા.
શિક્ષિકા નીરાલીબેને ચાર વર્ષના માસુમ બાળકને તાવીથા વડે ડામ આપતાં કાકા સહિતના બાળકને સારવાર અર્થે ખસેડ્યો હતો. બીજી બાજુ સમગ્ર મામલે પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ ઘટનામા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ કે આ ઘટના સમાજને હચમચાવી નાખે તેવી છે. શિક્ષણના પવિત્ર ક્ષેત્રમાં આવી ક્રૂરતા કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં.
રાજપુતે વધુમા કહ્યું કે ખાનગી કોચિંગ ક્લાસીસ માટેની નીતિ તાત્કાલિક જાહેર કરવામાં આવે. Child Safety Protocol અને Child Protection Policy ફરજિયાત અમલમાં મૂકવામાં આવે. બાળકો પર અત્યાચાર કરનાર સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ફી અને સંચાલન અંગે પારદર્શક વ્યવસ્થા ઉભી કરવામાં આવે. બાળ અધિકાર સુરક્ષા આયોગ અને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ હાથ ધરવામાં આવે.
ખાનગી કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી રાજ્ય સરકારની જવાબદારી છે. માત્ર જાહેરાતો નહીં પરંતુ અસરકારક અમલ થાય તેવી અમારી માંગ છે. આ મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થીનેતાઓનું પ્રતિનિધિમંડળ આવનારા સમયમા રાજ્યના શિક્ષણમંત્રીને રૂબરૂ મળી ખાનગી કોચિંગ ક્લાસીસ માટે કડક અને પારદર્શક નીતિ તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ સાથે વિગતવાર રજૂઆત કરવામાં આવશે.


