જેતપુરમાં કમલેશ વાઘેલાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વાલ્મિકી સમાજ દ્વારા મૌન રેલી
આરોપીઓને ફાંસીની સજા આપવા પોલીસને આવેદનપત્ર પાઠવ્યું
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં ગત ૭ જુલાઈના રોજ કમલેશ વાઘેલાની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વાલ્મિકી સમાજમાં ભારે આક્રોશની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતકને ન્યાય અપાવવાની માંગ સાથે જેતપુરમાં વાલ્મિકી સમાજ દ્વારા ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ગત ૭ જુલાઈના રોજ કમલેશ વાઘેલા નામના યુવાનની જાહેરમાં કરાયેલી કરપીણ હત્યાના બનાવને પગલે સમગ્ર વાલ્મિકી સમાજમાં ભારે આક્રોશ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાને પગલે મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે જેતપુર ખાતે વિશાળ સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા. શ્રદ્ધાંજલિ સભામાં મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મૃતક કમલેશ વાઘેલાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ એક શાંતિપૂર્ણ મૌન રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જેતપુર સિટી પોલીસ મથકે પહોંચી હતી.
પોલીસ મથકે સમાજના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં આ હત્યાકાંડના મુખ્ય આરોપી જયન વાઘેલા અને તેને મદદ કરનાર ધ્રુવ નૈયા સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ નિર્દોષ યુવકની જાહેરમાં થયેલી હત્યા અત્યંત નિંદનીય છે. આરોપીઓને ફાંસીની સજા મળે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ન્યાયની આ લડતમાં જોડાવા માટે માત્ર જેતપુર જ નહીં, પરંતુ ગોંડલ, જૂનાગઢ, બગસરા, સુરેન્દ્રનગર, પોરબંદર અને રાણાવાવ સહિતના સૌરાષ્ટ્રભરના વિવિધ વિસ્તારોમાંથી વાલ્મિકી સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જેતપુર આવી પહોંચ્યા હતા. તમામ આગેવાનોએ મૃતક પરિવારને સાંત્વના પાઠવી હતી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


