દેશની ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું ૧૭.૮૨ ટકા યોગદાન
ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ ૨૦3૦ સુધીમાં ૫૦ ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતમાંથી મેળવવાનો નિર્ધાર: પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર
અગ્ર ગુજરાત, અમદાવાદ
દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે ‘વૈશ્વિક ઊર્જા (Energy)સ્વાવલંબન દિવસ’ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
એટલું જ નહીં, પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50 ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવાનો સંકલ્પ પણ કર્યો છે. આ રાષ્ટ્રીય લક્ષ્યને અનુસરીને ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા (Energy)ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે, જે દેશની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં સૌથી વધુ 17.82 ટકા ફાળો ધરાવે છે. કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા તેમજ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા (15,850.56 મેગાવોટ)માં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત, સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા (32,302.7 મેગાવોટ)માં રાજ્ય બીજા ક્રમે છે, જ્યારે 13.45 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને 7,408.10 મેગાવોટ ક્ષમતા સાથે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ દેશમાં પ્રથમ ક્રમે છે.
સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. મે 2026 સુધીમાં રાજ્યની કુલ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા 32,302.7 મેગાવોટ સુધી પહોંચી છે. તેમાં 23,259.27 મેગાવોટ ગ્રાઉન્ડ-માઉન્ટેડ પ્રોજેક્ટ્સ, 7,408.10 મેગાવોટ રૂફટોપ સોલાર, 1,434.66 મેગાવોટ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ તથા 200.48 મેગાવોટ ઓફ-ગ્રીડ સિસ્ટમ્સ (પીએમ-કુસુમ યોજના સહિત)નો સમાવેશ થાય છે.
રાજ્યના મુખ્ય સોલાર પાર્કમાં ચારણકા (749 મેગાવોટ), રાધાનેસડા (700 મેગાવોટ) અને ધોલેરા (300 મેગાવોટ)નો સમાવેશ થાય છે. તો કચ્છનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 37.35 ગીગાવોટની આયોજિત ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ છે, જ્યાં મે 2026 સુધીમાં અહીં 15.54 ગીગાવોટ ક્ષમતા નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016થી ગુજરાત સરકારે રહેણાંક રૂફટોપ સોલાર(Rooftop Solar)ને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયા બાદ પણ આ પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે. પરિણામે, રહેણાંક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં રાજ્યમાં 13 લાખથી વધુ રૂફટોપ સોલાર (Rooftop Solar)ઇન્સ્ટોલ થયા છે અને દેશના કુલ રૂફટોપ સોલાર (Rooftop Solar)ઇન્સ્ટોલેશનમાં ગુજરાતનો ફાળો 21 ટકાથી વધુ નોંધાયો છે. ખેતી ક્ષેત્રે પણ પીએમ-કુસુમ યોજનાના કોમ્પોનેન્ટ-બી હેઠળ મે 2026 સુધીમાં 22,792 સ્વતંત્ર ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 162.62 મેગાવોટ છે.
નવીનીકરણીય ઊર્જાના ભવિષ્ય તરફ ગુજરાતની આગેકૂચ
ગુજરાત નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે. મે 2026 સુધીમાં રાજ્યમાં કુલ 1,531 નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. તેમાં 1,320 સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ (3.377 ગીગાવોટ), 115 પવન ઊર્જા પ્રોજેક્ટ્સ (3.913 ગીગાવોટ) અને 96 હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ (4.869 ગીગાવોટ)નો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં આયોજિત RE-INVEST 2024 દરમિયાન ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 105 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યો છે, જે ભારતના 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના રાષ્ટ્રીય લક્ષ્યમાં આશરે 20 ટકા ફાળો આપશે.


