નિયમો માત્ર જનતા માટે? : વિમા વગરની ટોઇંગ વાન દોડાવતું ટ્રાફિક વિભાગ
નિયમ તોડનાર પ્રજા પર પસ્તાળ પાડતી ટ્રાફિક વિભાગ સામે કાર્યવાહી થશે? લોકોમાં ઉઠતા સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટોઈંગ વિભાગ જાણે કાયદાથી ઉપર હોય તેમ સામાન્ય નાગરિકો પર પોતાનો રોફ જમાવી રહ્યું છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક સનસનાટીપૂર્ણ કિસ્સાએ પોલીસ પ્રશાસનની પોલ ખોલી નાખી છે. સામાન્ય જનતા પાસે પીયુસી, હેલ્મેટ અને વીમાના નામે હજારો રૂપિયાનો દંડ વસૂલતી રાજકોટ ટ્રાફિક પોલીસ પોતે જ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી હોવાનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તે જ ટ્રાફિક ટોઈંગ વાહનનો વીમો વર્ષ 2023થી પૂરો થઈ ગયો હોવાનો પર્દાફાશ થતાં ભારે હોબાળો મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના માર્ગો પર ધાક જમાવતી એક ટ્રાફિક ટોઈંગ વાન જ્યારે વાહનો ઉપાડી રહી હતી, ત્યારે ત્યાં હાજર કેટલાક જાગૃત નાગરિકોએ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તે સરકારી ટોઈંગ વાહનના દસ્તાવેજો તપાસ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે, જે વાહન સામાન્ય લોકોના વાહનો જપ્ત કરવા નીકળ્યું છે, તેનો પોતાનો જ વીમો (Insurance) વર્ષ 2023માં સમાપ્ત થઈ ચૂક્યો છે!
જ્યારે જાગૃત નાગરિકોએ કેમેરા સામે આ અંગે ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાનોને સવાલો પૂછવાનું શરૂ કર્યું, ત્યારે કાયદાના રક્ષકો પાસે કોઈ જવાબ નહોતો. કેમેરામાં કેદ થવાના ડરથી અને પોતાની ચોરી પકડાઈ જતાં, ટોઈંગ સ્ટાફ અને પોલીસ જવાનો ત્યાંથી સરકી જવામાં જ ભલાઈ સમજી હતી અને વાહન લઈને ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોમાં પોલીસ તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં ટ્રાફિક ટોઈંગના કર્મચારીઓ માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કરી રહ્યા, પરંતુ તેઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ એક શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં ટોઈંગ વાહનના કર્મચારીઓએ એક સામાન્ય મહિલા સાથે ઉગ્ર બોલાચાલી કરીને તેને જાહેરમાં માર માર્યો હતો. તે ઉપરાંત એક યુવક પર ધોકાથી હૂમલો પણ કર્યો હતો.
જનતા સવાલ ઉઠાવી રહી છે કે, જો સામાન્ય નાગરિકનો વીમો એક દિવસ પણ લેટ થાય તો મસમોટો દંડ ફટકારતી પોલીસ, છેલ્લા ત્રણ વર્ષથી વીમા વગર દોડતા પોતાના વાહનો સામે શું કાર્યવાહી કરશે? શું આરટીઓ (RTO) આ સરકારી વાહનને સીઝ કરવાની હિંમત બતાવશે?
વકીલ અંકિત સોંદરવા મેદાને: પોલીસ કમિશનરને રજૂઆત
આ ગંભીર અને કાયદાના લીરેલીરા ઉડાડતા મામલાને રાજકોટના જાણીતા વકીલ અંકિત સોંદરવાએ ગંભીરતાથી લીધો છે. તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અને પુરાવાઓના આધારે રાજકોટ પોલીસ કમિશનરને સત્તાવાર અરજી કરી છે. જેમાં તેઓઅ. નિયમોનું ઉલ્લંઘન કરનાર ટોઈંગ એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે. વીમા વગર ગાડી રોડ પર દોડાવવા બદલ સંબંધિત અધિકારીઓ સામે કાયદેસરનો ગુનો દાખલ થાય. જનતા સાથે દાદાગીરી કરનારા કર્મચારીઓ સામે કડક પગલાં લેવાય છે?


