રાજકોટમાં વરસાદ ખેંચાતા પશુઓના ઘાસચારા વિતરણ અંગે સંકલનમાં નિર્ણય
કલેક્ટરની સંકલન બેઠક યોજાઈ: ખાણી-પીણીમાં ભેળસેળ કરનારાને નહીં છોડાઈ: ટીલાળા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ કલેકટર ઓફિસમાં આજે સંકલનની બેઠક મળી હતી જેમાં દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય રમેશ ટીલાળાએ વરસાદ ખેંચાતા ખેડૂતોને ઘાસચારાનું વહેલી તકે વિતરણ ચાલુ કરી દેવાશે ઉપરાંત મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા દરોડાઓ પાડી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખાણીપીણીમાં ભેળસેળ કરનારા વેપારીઓને સરકાર છોડશે નહીં તેવો કડક નિર્દેશ કર્યો હતો તો પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દર્શિતાબેન શાહે રાજકોટમાં IT પાર્ક શરૂ થવાનું છે તેમાં શું પ્રોગ્રેસ છે તેમજ ભાવનગરની જેમ રાજકોટમાં ગ્રીન એટીએમ શરૂ કરવામાં આવે તેવી માંગણી મૂકવામાં આવી હતી ઉપરાંત ન્યુસન્સ પોઇન્ટ બનેલા રેફ્યુજી કોલોનીનો કાટમાળ હટાવવા અને સરકારી આવાસમાં ન્યુસન્સરૂપ પ્રવૃતિઓ ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની મીટિંગ હતી, અને જે વરસાદ ખેંચાણો છે એના અનુસંધાને હું આપ સૌને જણાવું છું કે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો છે. જેથી ઘાસચારાની મુશ્કેલીના હિસાબે અહીંથી જે કાંઈ વીડીઓનો ઘાસચારો છે એનું વહેલી તકે વિતરણ ચાલુ કરી અને વધુ લોકોને સુવિધા મળે અને મુશ્કેલી ન પડે એના માટેની હવે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને વહેલી તકે ઘાસચારો બધાને મળે એવા અમારા પ્રયત્ન છે.ખેડૂતો માટે અત્યારે સંકટના વાદળો છે તે માટે કોઈ આયોજન તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે,હા, ચોક્કસ. જ્યારે વરસાદ ખેંચાય ત્યારે આવું બનતું હોય અને રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ એમાં ખૂબ એલર્ટ છે. મારે જીતુભાઈ વાઘાણી સાથે પણ ટેલિફોનિક વાત થઈ. જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં સરકારે આપણને સાથ સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી છે. અત્યારે મુખ્ય ઘાસચારાની મુશ્કેલી છે જેથી એના માટે વિતરણ વહેલું ચાલુ થાય એવી સરકારની તૈયારી છે.
આ ઉપરાંત આવનારા દિવસોમાં આપ રજૂઆત કરશો? કારણકે પડધરીથી લઈ અને જામનગર સુધીના વિસ્તારોમાં નહિવત વરસાદ છે અને સુરેન્દ્રનગરમાં પણ એવી જ પરિસ્થિતિ છે તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડે ત્યારે ગુજરાત સરકાર હંમેશાં એની તાત્કાલિક મીટિંગ બોલાવી અને ખેડૂતોને પડતી મુશ્કેલી માટે જે કાંઈ કરવાનું ઘટતું થતું હોય, એ ચોક્કસપણે કરે છે અને અમે એના માટે સરકારમાં પણ રજૂઆત કરશું. આજે સંકલનમાં કલેક્ટરને શું સૂચના આપવામાં આવી તેવું પૂછતા ટીલાળાએ જણાવ્યું હતું કે, આજે સંકલનની મીટિંગમાં અમારે વિવિધ પ્રશ્નો હતા અને તે લગભગ ઘણાં ખરા પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે. અને ખાસ કરીને જે આરોગ્યની બાબત હતી, એમાં પણ અમે ચર્ચા કરી છે. રાજકોટ શહેરમાં અત્યારે અમારું નવું જે કોર્પોરેશનનું બોડી આવ્યું છે એને ખૂબ સારી કામગીરી કરી છે. સઘન ચેકિંગ અને એની તપાસ કરી અને જે કાંઈ ભેળસેળ કરતા હોય છે તે લોકો ઉપર દંડનીય કાર્યવાહી કરે છે.એવી જ રીતે જિલ્લામાં પણ આના માટે વધુ કાર્યવાહી કરવા માટે અહીંથી સૂચના દેવામાં આવી છે. અને હું જે કાંઈ ભેળસેળ કરતા હોય એ લોકોને પણ કહું છું કે સરકાર એમાં ક્યાંય બાંધછોડ કરવા માંગતી નથી એટલે ખાદ્ય વસ્તુમાં ભેળસેળ કરશે એને સરકાર છોડશે નહીં અને કડક હાથે પગલાં લેશે.
જ્યારે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતાબેન શાહએ જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી સંકલનમાં અલગ અલગ મુદ્દે રજુઆત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે, રાજકોટમાં IT પાર્ક બનાવવા માટેની જે જાહેરાત કરવામાં આવી હતી એ અંગે પ્રોગ્રેશ શું છે તેની માહિતી મેળવી હતી જેમાં શહેરમાં સ્માર્ટ સીટી વિસ્તારમાં જમીન ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં એક માત્ર ભાવનગરમાં જે ગ્રીન ATM સુવિધા છે એ રીતે રાજકોટમાં પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જયારે રાજકોટનું સૌથી જૂનું અને ઐતિહાસિક વોટ્સન મ્યુઝિયમના નવીનીકરણ માટે પણ આજની સંકલન બેઠકમાં રજુઆત કરવામાં આવી છે. બીજી તરફ વોર્ડ નંબર 3માં રેફ્યુજી કોલોનીમાં ડિમોલિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દોઢ વર્ષ થવા છતાં પણ કાટમાળ યથાવત છે જે નયૂશન્સ પોઇન્ટ છે માટે ત્યાંથી કાટમાળ તાત્કાલિક હટાવવા રજુઆત કરવામાં આવી છે અને જે સરકારી ક્વાર્ટર હાલ ખાલી છે જેમાં ન્યુસન્સ પ્રવૃત્તિ ન થાય આ માટે તેને ડિમોલિશન કરવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.


