રૈયાધાર WTPની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર
પીવાના પાણીની ગુણવત્તા જાળવવા અધિકારીઓને સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન કમિશનરે પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લોરિનેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ક્લોરિનના સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
કમિશનરે અધિકારીઓને પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા નિયમો મુજબ સતત જાળવી રાખવા, ક્લોરિનનું પ્રમાણ નિર્ધારિત ધોરણો અનુસાર જાળવવા તેમજ પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવામાં આવે તે અંગે સૂચના આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને સ્વચ્છ, શુદ્ધ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી સતત ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.


