રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે ફરી હાર્દિકભાઈ ચૌહાણની વરણી
હોદેદારો દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળની વાર્ષિક સાધારણ સભા તા. 26 જુલાઈ, 2026ના રોજ મોચી મંદિર ખાતે યોજાઈ હતી. સભામાં સર્વાનુમતે હાર્દિકભાઈ ચૌહાણની સતત ત્રીજી ટર્મ માટે મંડળના પ્રમુખ તરીકે પુનઃ વરણી કરવામાં આવી હતી.
સભાની શરૂઆતમાં પ્રમુખ હાર્દિકભાઈ ચૌહાણ અને મંત્રી મુકેશભાઈ ગોહિલે વર્ષ દરમિયાન મંડળ દ્વારા કરવામાં આવેલી વિવિધ સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ ખજાનચી બકુલભાઈ ચાવડાએ ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા, જેને સાધારણ સભાએ સર્વાનુમતે બહાલી આપી મંજૂર કર્યા હતા.
સભામાં મંડળ દ્વારા મહિલા જાગૃતિના હેતુસર આયોજિત “કેરાલા સ્ટોરી 2″ના નિઃશુલ્ક ફિલ્મ શોના સફળ આયોજનનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ પ્રમુખ ડો. હિંમતભાઈ ચૌહાણ, હર્ષદભાઈ મકવાણા, પૂર્વ મંત્રી આર.ટી. ગોહેલ, પ્રવિણભાઈ જેઠવા, વરિષ્ઠ આગેવાન જયંતભાઈ વાઘેલા, કમલેશભાઈ ગોહેલ, ડાયાભાઈ ચાવડા, મોચી સમાજ મીડીયા ઇનચાર્જ સુરેશભાઈ ચૌહાણ, રસિકભાઈ ઝાલા, મોચી જ્ઞાતિ સેવા ટ્રસ્ટના યુવા પ્રમુખ વિપુલભાઈ વાઢિયા, કમલેશભાઈ ચાવડા, માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેનાના યુવા નેતા નિલેશભાઈ વાઘેલા સહિત સમાજના અનેક આગેવાનો અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પુનઃ વરણી પામેલા યુવા પ્રમુખ હાર્દિકભાઈ ચૌહાણને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ મકવાણાએ કર્યું હતું. અંતમાં મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ-મોચી મંદિર તથા કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આગેવાનો, સભ્યો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


