રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
વિશ્વ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ-2026 માટે પસંદગી, ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ અભિનંદન પાઠવ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના કેરેજ એન્ડ વેગન ડેપોમાં હેલ્પરના પદ પર કાર્યરત દિવ્યાંગ કર્મચારી શ્રી દેવેન્દ્ર યાદવે 5મી રાષ્ટ્રીય આર્મ એન્ડ પેરા આર્મ રેસલિંગ (પંજા કુસ્તી) ચેમ્પિયનશિપ–2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે અને રાજકોટ ડિવિઝન, પશ્ચિમ રેલવે તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા ગુજરાતના ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં દેશભરમાંથી 2000 થી વધુ ખેલાડીઓએ વિવિધ શ્રેણીઓમાં ભાગ લીધો હતો.
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા દેવેન્દ્ર યાદવે 70 થી 80 કિલોગ્રામ પેરા સ્ટેન્ડિંગ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. તેમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તેમની પસંદગી આગામી વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ–2026 માટે પણ કરવામાં આવી છે.
રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ દેવેન્દ્ર યાદવે આ શાનદાર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે. તેમણે જણાવ્યું હતું કે યાદવની આ સિદ્ધિ ડિવિઝનના અન્ય કર્મચારીઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે.


