રાજકોટને ડૂબતુ બચાવવા ગીરગંગા ટ્રસ્ટના સૂચનો
વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નક્કર આયોજન કરવા વિવિધ ભલામણ કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી પણ વધુ જળસંચયના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. ચોમાસામાં વરસાદનું એક પણ ટીપું નકામું દરિયામાં ન જાય અને મહત્તમ જળસંચય થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમારી આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને લોકસભા, રાજ્યસભા તેમજ જલશક્તિ મંત્રાલય દ્વારા સંસ્થાને ‘બેસ્ટ NGO અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે.
હાલ ચોમાસામાં અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ભારે વરસાદથી પાણી ભરાવાની અને નાગરિકોને ભારે મુશ્કેલીઓ વેઠવાની સ્થિતિ સર્જાઈ છે. ભવિષ્યમાં રાજકોટમાં આવી પરિસ્થિતિ ન નિર્માણ પામે અને આપણું શહેર પાણીની બાબતમાં સ્વતંત્ર તથા આત્મનિર્ભર બને, તે માટે ત્વરિત ધોરણે નીચે મુજબના મહત્વપૂર્ણ પગલાં ભરવા ગીરગંગા ટ્રસ્ટ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.
વહીવટી ઇચ્છાશક્તિથી જો નક્કર આયોજન થાય તો રાજકોટ ભવિષ્યમાં ક્યારેય પાણીની તંગી કે પૂરની હોનારતનો સામનો નહીં કરે અને કાયમી ધોરણે ‘જળ-સ્વયંપૂર્ણ’ બનશે. આ લોકહિતના કાર્યમાં આપની સકારાત્મક પહેલની અપેક્ષા સહ નમ્ર વિનંતી છે. આ કાર્યક્રમમાં પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, દિનેશભાઈ પટેલ, ગોપાલભાઈ બાલધા, ભાવેશભાઈ સખીયા, નીરજભાઈ રામાણી, યશવંતભાઈ ગોસ્વામી, અમિતભાઈ દેસાઈ, પુજાબેન પટેલ સહિતના હાજર રહ્યા હતાં.
હોકળા અને જળમાર્ગોનું પુનઃસ્થાપન
- દબાણો હટાવવા: શહેરના જેટલા પણ પ્રાકૃતિક હોકળા જેવા જળમાર્ગો ઉપર દબાણો થયા છે, તેને ત્વરિત ધોરણે ખુલ્લા કરવામાં આવે.
- ગટર લાઈનો ડાયવર્ટ કરવી: હોકળાની અંદર નાખવામાં આવેલી તમામ ભૂગર્ભ ગટર લાઈનોને તુરંત બહાર કાઢીને અલગ વ્યવસ્થા કરવામાં આવે, જેથી વરસાદી પાણીના વહેણમાં કોઈ અવરોધ ન નડે.
કુવાઓ અને બોર રિચાર્જની કામગીરી
- રાજકોટ શહેરના તમામ બંધ પડેલા જૂના કૂવાઓને જીવંત કરી રિચાર્જ કરવામાં આવે.
- તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને મોટા સંકુલમાં ફરજિયાત બોર રિચાર્જ અને શોષ ખાડા (Rainwater Harvesting) ની વ્યવસ્થા કરવામાં આવે.
- ભવિષ્યમાં બનતી દરેક નવી મિલકત, ફેક્ટરી અને બિલ્ડિંગ પ્લાનની મંજૂરી વખતે પીવાના પાણીના ભૂગર્ભ ટાંકા તેમજ બોર રિચાર્જ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવે.
ટી.પી. સ્કીમ (TP Scheme) અને રુડા (RUDA) વિસ્તારનું આયોજન
- નવા વિકાસ પામતા વિસ્તારો અને ટી.પી. સ્કીમ્સમાં 25 ઇંચ વરસાદ પડે તેટલું પાણી સ્ટોરેજ થાય તેવા આયોજનબદ્ધ રીતે મોટા તળાવો કે ચેકડેમ બનાવવામાં આવે, જેથી વિસ્તારમાં પડનાર વરસાદનું પાણી તે જ વિસ્તારમાં જમીનમાં ઉતરી શકે અથવા સંગ્રહ થઈ શકે જેનાથી ચોમાસામાં હોનારત ના થાય અને ઉનાળામાં ઘટ ના પડે.
- ડેમ ઓવરફ્લો થાય ત્યારે કાયદેસરના પ્રવાહ માટે યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ.
શહેરની પડતર જગ્યાઓનો ઉપયોગ
- શહેરના શાસ્ત્રી મેદાન જેવા અન્ય મોટા પડતર મેદાનો/હોકળાઓમાં આધુનિક ચેકડેમ કે ભૂગર્ભ જળસંચય માળખાનું નિર્માણ કરવામાં આવે. જેનાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમ માટે નિવારી શકાશે અને ઉનાળામાં ભૂગર્ભ જળસ્ત્રોત સમૃદ્ધ થશે.
હાલના જળાશયોનું ઉંડાણ અને લોકભાગીદારી
- રાજકોટની વસ્તી ૩ લાખ હતી ત્યારે ૩ તળાવો હતા, આજે વસ્તી ૩૦ લાખ હોવા છતાં તળાવો તેટલા જ છે અને આખું શહેર નર્મદાના પાણી પર નિર્ભર છે.
- નર્મદાના પાણી માટે આપણે જે નિયમિત બિલ ચૂકવીએ છીએ, જો તે જ રકમ પાણીના સંચય પાછળ ખર્ચવામાં આવે, તો આપણે પાણીની બાબતમાં કાયમી ધોરણે આત્મનિર્ભર બની શકીએ છીએ.
- રાજકોટના જાણીતા જળાશયો લાલપરી, ન્યારી અને આજી ડેમને વધુ ઊંડા કરવાથી પાણીની સંગ્રહ ક્ષમતા અનેકગણી વધી જશે.
- કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે અથવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ લોકભાગીદારીથી આ કાર્યમાં ખભે-ખભા મિલાવીને સહયોગ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.


