રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફની નિયુક્તિ હાસ્યાસ્પદ, “વ્હાલાઓ”ને જ સ્થાન અપાઈ રહ્યું છે? : મયુર શાહ
કોંગ્રેસના મંત્રીના આક્ષેપથી મનપામાં ચર્ચાએ જોર પકડયું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહએ આક્ષેપ કર્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટાફ નિયુક્તિની નીતિ હવે પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે. એક તરફ દબાણ શાખા જેવા અત્યંત મહત્વના વિભાગમાં સ્ટાફની ભારે અછત છે, જ્યારે બીજી તરફ અનેક વિભાગોમાં અનુભવ અને ક્ષમતા કરતાં ભલામણને વધુ મહત્વ અપાયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. મયુર શાહે સવાલ ઉઠાવ્યો કે આખરે મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં થયેલી આ નિયુક્તિઓ કોના દબાણથી કરવામાં આવી? શું કોઈ ચોક્કસ ધારાસભ્ય અથવા શાસક પક્ષના આગેવાનોની ભલામણના આધારે “વ્હાલાઓ”ને મહત્વના હોદ્દા આપવામાં આવ્યા છે? જો એવું નથી તો સમગ્ર ભરતી પ્રક્રિયા જાહેર કેમ કરવામાં આવતી નથી?
તેમણે જણાવ્યું કે અનુભવના અભાવે અનેક વિભાગોમાં સામાન્ય નાગરિકોને ધક્કા ખાવા પડે છે, ફાઇલો અટવાય છે, અરજદારોને વારંવાર કચેરીના ચક્કર મારવા પડે છે અને વહીવટની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. મયુર શાહે માંગ કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક તમામ વિભાગવાર સ્ટાફની વિગતો, ખાલી જગ્યાઓ, નિમણૂકની પ્રક્રિયા અને લાયકાતની માહિતી જાહેર કરે. જો ભરતી સંપૂર્ણ પારદર્શક અને નિયમ મુજબ થઈ હોય તો જનતા સમક્ષ હકીકત મૂકવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. તેમણે ચેતવણી આપી કે જો સ્ટાફની અછત દૂર નહીં કરવામાં આવે અને નિમણૂકોમાં પારદર્શિતા નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ મુદ્દે લોકશાહી ઢબે ઉગ્ર રજૂઆતો અને જનઆંદોલન કરવામાં આવશે.


