ભારે વરસાદથી રેલવ્યવહાર પર બ્રેક
રાજકોટમાંથી પસાર થતી ત્રણ ટ્રેનો આજે પણ રદ્દ
વિરમગામ-ચાંદલોડિયા વચ્ચે ટ્રેક પર પાણી ભરાતા અસર યથાવત; કાલે પણ દાદર-પોરબંદર અને કટરા-જામનગર ટ્રેન નહીં દોડે, ઓખા-અર્નાકુલમ 13 કલાક 15 મિનિટ મોડી રવાના થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવસ્થા પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. અમદાવાદ રેલવે ડિવિઝન હેઠળના વિરમગામ-ચાંદલોડિયા ઈસ્ટ વિભાગમાં રેલવે ટ્રેક પર વરસાદી પાણી ફરી વળતા અનેક ટ્રેનોના સંચાલનમાં વિક્ષેપ સર્જાયો છે. તેના પરિણામે રાજકોટમાંથી પસાર થતી તેમજ સૌરાષ્ટ્રને અમદાવાદ અને મુંબઈ સાથે જોડતી કેટલીક મહત્વની ટ્રેનો આજે પણ રદ્દ રાખવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં મોટાપાયે ફેરફાર કરાયો છે.
રેલવે તંત્રના જણાવ્યા મુજબ ટ્રેક પર પાણી ભરાવા ઉપરાંત કેટલીક ટ્રેનોની લિંક રેક સમયસર ઉપલબ્ધ ન થતાં સંચાલન પર સીધી અસર પડી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સપ્તાહના અંતે પ્રવાસનું આયોજન કરનારા અનેક મુસાફરોની મુસાફરીની યોજના ખોરવાઈ ગઈ છે.
આજે રદ્દ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઈન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ત્રણેય ટ્રેનો રેક ઉપલબ્ધ ન હોવાથી સંપૂર્ણપણે રદ્દ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હજારો મુસાફરો માટે મહત્વની માનવામાં આવે છે, જેના કારણે અનેક મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા શોધવાની ફરજ પડી છે.
બીજી તરફ અગાઉ રદ્દ જાહેર કરાયેલી 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેલવે વિભાગે આ ટ્રેનનું રદીકરણ પાછું ખેંચીને તેને સંચાલિત કરવાનો નિર્ણય લીધો છે. જોકે ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી દોડાવવામાં આવી રહી હોવાથી મુસાફરોને સ્ટેશન પર પહોંચતા પહેલાં ટ્રેનની સ્થિતિની ખાતરી કરી લેવા અપીલ કરવામાં આવી છે.
લાંબા અંતરની 16337 ઓખા-અર્નાકુલમ એક્સપ્રેસના સંચાલન પર પણ વરસાદની ગંભીર અસર જોવા મળી છે. આ ટ્રેન સવારે 6:45 કલાકે ઉપડવાની હતી, પરંતુ સામેથી આવતી લિંક રેક 16 કલાકથી વધુ મોડી પહોંચવાના કારણે ટ્રેનનું પ્રસ્થાન રાત્રે 8:00 વાગ્યે નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે ટ્રેનને કુલ 13 કલાક 15 મિનિટ મોડી રવાના કરવામાં આવશે. આ વિલંબને કારણે કેરળ સહિત દક્ષિણ ભારત તરફ જતાં મુસાફરોને લાંબી રાહ જોવી પડશે.
વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ સતત ટ્રેકની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાંથી પાણી કાઢવાની અને ટ્રેકની સુરક્ષા સુનિશ્ચિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેક સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર થયા બાદ જ ટ્રેનોનું નિયમિત સંચાલન શરૂ કરવામાં આવશે, તેવી માહિતી અધિકારીઓએ આપી છે. આ દરમિયાન રવિવાર માટે પણ કેટલાક ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઉપરાંત માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસનું સંચાલન પણ રદ્દ રાખવામાં આવ્યું છે. જેના કારણે ઉત્તર ભારતથી સૌરાષ્ટ્ર આવનારા અને સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત જનાર મુસાફરોને પણ અસર પડશે.
રેલવે તંત્રે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલાં પોતાની ટ્રેનની તાજી સ્થિતિ ઓનલાઈન અથવા રેલવેના સત્તાવાર માધ્યમો દ્વારા ચોક્કસ જાણી લે. હાલની વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર અથવા રદીકરણ થઈ શકે છે. તેથી મુસાફરોએ પ્રવાસનું આયોજન કરતી વખતે પૂરતી સાવચેતી રાખવાની અને રેલવેની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી રેલવે વ્યવસ્થા પર તેની અસર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


