રાજુલા નજીક હાઇવે પર બાઇક સવાર પશુ સાથે અથડાતાં મોત
એક ગંભીર રીતે ઘાયલ થતાં સારવારમાં ખસેડાયો
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલીના રાજુલાના ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જાફરાબાદના બાલાનીવાવ અને કાગવદર ગામ નજીક નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલા એક બાઇક સવાર યુવકોને પશુ આડું ઉતરતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ૨૫ વર્ષીય રામભાઇ સોલંકી નામના યુવકનું ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલા કરણભાઇ હકાભાઇ સોલંકી (ઉં.વ. ૨૩) ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાં જ મૃતક અને ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવકના મોતને લઇ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


