રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત
રેલનગરમાં રહેતા નિવૃત્ત PSI ક્રિપાલસિંહ જાડેજા, રૈયા રોડના શિવપરાના વૃદ્ધ અને પીપલાણાના પ્રૌઢના મોતથી પરિવારજનોમાં ગમગીની
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં અચાનક હૃદય ધબકારા ચૂકી જવાથી મોત નિપજવાના બનાવોનો સિલસિલો સતત ચિંતાજનક રીતે વધી રહ્યો છે. શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા રાજકોટ પોલીસના નિવૃત્ત પીએસઆઈ, રૈયા રોડ પર શિવપરાના એક વૃદ્ધ અને કોટડાસાંગાણીના પીપલાણા ગામના એક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી કરુણ મોત નિપજતાં ત્રણેય પરિવારોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
રેલનગર-૨, શેરી નંબર ૮માં રહેતા અને વર્ષ ૨૦૨૩માં રાજકોટ શહેર પોલીસમાંથી નિવૃત્ત થયેલા પીએસઆઈ ક્રિપાલસિંહ જીવુભા જાડેજા (ઉં.વ. ૬૨) પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિજનોના જણાવ્યા અનુસાર તેમને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો. મૃતક ક્રિપાલસિંહ ચાર ભાઈ અને એક બહેનમાં બીજા ક્રમે હતા, અને સંતાનમાં બે પુત્રો તથા એક પુત્રી ધરાવે છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્રદ્યુમનનગર પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ આવેલા શિવપરા-૨ માં રહેતા મૂળ રાજસ્થાની ગેનારામ સગારામ ચૌધરી (ઉં.વ. ૫૯) નામના વૃદ્ધ પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું પણ હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું હતું. મૃતક કલરકામ તથા સાઈટ પર માપ લેવાનું કામ કરતા હતા અને સંતાનમાં બે પુત્રી તથા એક પુત્ર ધરાવે છે. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામે રહેતા હંસરાજભાઈ લવજીભાઈ બાવરીયા (ઉં.વ. ૫૩) નામના પ્રૌઢ પોતાના ઘરે અચાનક ઢળી પડ્યા બાદ બેભાન થઈ જતાં પરિવારજનો તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ તેમનું મોત પણ હૃદયરોગના તીવ્ર હુમલાના કારણે થયાનું સામે આવ્યું છે. તેઓ સંતાનમાં ત્રણ પુત્રીઓ અને બે પુત્રો ધરાવે છે. આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે કાર્યવાહી કરી છે.


