જામકંડોરણામાં લૂંટના ઇરાદે ગળે ટૂંપો આપી વૃદ્ધાની નિર્દયી હત્યા
એકલી રહેતી 65 વર્ષીય મહિલાનો ઘરમાંથી મૃતદેહ મળતા ચકચાર; સોનાની બંગડી અને રોકડ ગાયબ, જાણભેદુની સંડોવણીની શંકા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં એકલા રહેતી વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સે રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને વૃદ્ધાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ બનાવે સમગ્ર પંથકમાં ભય અને ચકચાર ફેલાવી છે.
મૃતક તરીકે ઓળખાયેલી લીલાબેન જમનભાઇ અજુડિયા (ઉંમર 65) વૈભવનગર ગામમાં એકલા રહેતા હતા. તેમના પતિનું ગત વર્ષે અવસાન થયું હતું, ત્યારથી તેઓ એકલા જ અહીં રહેતા હતા. તેમના બે પુત્ર રાજકોટમાં રહે છે, જેમાંથી અમિતભાઇ જમનભાઇ અજુડિયા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.
ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે અમિતભાઇ રોજની જેમ સવારે લગભગ પોણા દસ વાગ્યે પોતાના ઘરે પહોંચ્યા હતા. તેમણે બારણું ખખડાવ્યું, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા તેઓ ચિંતિત બન્યા હતા. આસપાસના પાડોશીઓ પાસે પૂછપરછ કરતા પણ કોઈને લીલાબેન અંગે માહિતી ન હોવાથી શંકા વધુ ઘેરાઈ હતી. આ પછી અમિતભાઇ બાજુના મકાનની પાળી પરથી પોતાના ઘરમાં નજર કરતાં મુખ્ય દરવાજા પર તાળું મારેલું હોવાનું જણાયું હતું. સામાન્ય રીતે ઘરમાં રહેતી માતા તાળું મારી બહાર જાય તેવો સ્વભાવ ન હોવાથી શંકા વધુ વધી હતી. ત્યારબાદ તેઓ ટપીને અંદર પ્રવેશ્યા અને પોતાની પાસે રહેલી ચાવીથી દરવાજો ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ બની ગયા હતા. ઘરમાં તેમની માતાનો મૃતદેહ પડેલો જોવા મળતા તેઓ ગભરાઈ ગયા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અજાણ્યા શખ્સે વૃદ્ધાને ગળે ટૂંપો આપી હત્યા કરી છે. આશંકા છે કે વૃદ્ધાએ હુમલાખોરનો પ્રતિકાર કર્યો હશે, જેના કારણે આરોપીએ તેમને મોતને ઘાટ ઉતાર્યા હોય શકે છે. ઘટના સ્થળેથી સોનાની એક બંગડી અને રોકડ મળી કુલ રૂપિયા 15,700 જેટલો મુદામાલ ગાયબ હોવાનું સામે આવ્યું છે. જોકે, લીલાબેનના પુત્ર અમિતભાઇએ પોલીસને જણાવ્યું હતું કે તેમની માતા સામાન્ય રીતે ચાર સોનાની બંગડી પહેરતા હતા, જેમાંથી એક બંગડી રીપેરિંગ માટે રાજકોટમાં આપી હતી. બાકી રહેલી ત્રણમાંથી એક બંગડી ગાયબ છે, જ્યારે બે બંગડી અને સોનાની બુટ્ટી યથાવત મળી આવી છે.
આથી પ્રશ્ન ઊભો થયો છે કે શું આરોપી માત્ર લૂંટના ઇરાદે આવ્યો હતો કે પછી કોઈ અન્ય કારણસર ઘટના બની હતી. કારણ કે જો માત્ર લૂંટનો ઇરાદો હોત તો વધુ કિંમતી આભૂષણો પણ લઈ જવાયા હોત. આથી પોલીસે આ મુદ્દાને ગંભીરતાથી લઈ વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. આ બનાવમાં શંકા ઉપજાવતી એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે હત્યા કર્યા બાદ આરોપીએ ઘરના મુખ્ય દરવાજાને બહારથી તાળું મારી દીધું હતું અને ચાવી સાથે લઈ ગયો હતો. સામાન્ય રીતે કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં વધારાની ચાવી હોવાની માહિતી હોવી મુશ્કેલ હોય છે. આથી પોલીસે જાણભેદુ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટના દરમિયાન કોઈએ ચીસો કે હલચલ સાંભળી ન હોવાને કારણે પણ અનેક સવાલો ઉભા થયા છે. આસપાસના રહેવાસીઓને ઘટનાની કોઈ જાણ ન થતા પણ પોલીસ માટે તપાસ વધુ જટિલ બની છે. આથી પોલીસે નજીકના લોકો, ઓળખીતાઓ અને સગાસંબંધીઓ સહિત તમામ એંગલથી તપાસ શરૂ કરી છે. જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 (1), 309 (4), 309 (6), 329 (4) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર કેસની તપાસ પીઆઈ જાદવના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.
પોલીસ દ્વારા ગામ અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરાઈ છે. શંકાસ્પદ લોકોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીને ઝડપવા માટે ટીમો તહેનાત કરવામાં આવી છે.
લીલાબેનના નિર્દયી હત્યાકાંડથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છે. ગામમાં પણ દુઃખ અને ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. હવે સૌની નજર પોલીસ તપાસ પર છે કે આરોપી ક્યારે ઝડપાય અને આ હત્યાના રહસ્ય પરથી પડદો ક્યારે ઉઠે.


