બે વર્ષથી રાહ જોતા શહેરીજનો માટે આનંદનું આયોજન
સાંઢીયા પૂલના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ યોજાશે ‘હેપ્પી સ્ટ્રીટ’
લોકો માટે મનોરંજન, રમત-ગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે : અદભૂત લાઇટોના શણગારથી ઝગમગી ઉઠયો ઐતિહાસિક સાંઢીયા પુલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે લોકપ્રિય છે, તેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે તા.૧૩-૦૬-૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવનાર છે. આજે તા.૧૨-૦૬-૨૦૨૬ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંઢિયા પુલ ખાતે “Happy Street”નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી અને યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું છે. નવનિર્મિત સાંઢિયા પુલની ભવ્યતા અને અદ્ભુત રોશની વચ્ચે પરિવારજનો અને મિત્રો સાથે આનંદની ક્ષણો માણી શકાય તે માટે “Happy Street” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના વિકાસના નવા પ્રતીક સમાન સાંઢિયા પુલ પર યોજાનાર આ વિશેષ કાર્યક્રમમાં નાગરિકો માટે મનોરંજન, રમતગમત પ્રવૃત્તિઓ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું કરવામાં આવશે. શહેરના વ્યસ્ત જીવનમાંથી થોડો વિરામ લઈને લોકો પોતાના પરિવાર સાથે ખુશીની પળો વિતાવી શકે અને જાહેર સ્થળોને સામૂહિક આનંદના કેન્દ્ર તરીકે અનુભવી શકે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
નવનિર્મિત સાંઢિયા પુલ ખાતે કરવામાં આવેલી ભવ્ય અને આકર્ષક રોશની શહેરવાસીઓને વિકાસનું ઝગમગતું નજરાણું માણવાની અનોખી તક આપશે. આ અવસરે નાગરિકો પ્રકાશથી ઝળહળતા બ્રિજ પર પરિવાર અને મિત્રો સાથે સહેલગાહનો આનંદ માણી શકશે તેમજ શહેરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નજીકથી અનુભવી શકશે.
“Happy Street” અંતર્ગત વિવિધ વયજૂથના લોકો માટે અનેક આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ, ફન એક્ટિવિટીઝ, ફિટનેસ આધારિત કાર્યક્રમો, મ્યુઝિકલ માહોલ અને સામૂહિક મનોરંજનની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો સૌ માટે આ કાર્યક્રમ આનંદ અને ઉત્સાહથી ભરપૂર બની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા દ્વારા શહેરના નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત “Happy Street”માં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
“Happy Street” ખાતે યોજાનાર એક્ટિવિટી
લીંબુ ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, દોરડા કૂદ, લૂડો, સાપસીડી, હોપ્સકોચ, પઝલ જેવી રમતો, ડ્રોઈંગ એક્ટિવિટી, જુમ્બા, ગરબા, આકર્ષક લાઈટિંગ


