સરસ્વતી શિશુમંદિર ખાતે વિદ્યાભારતી મંત્રી સ્વ. મહેશજી પતંગેને શ્રદ્ધાંજલિ અર્પણ
મહેશજી પતંગેનું જીવન સંઘ-શૈક્ષણિક ક્ષેત્રમાં સદાય પ્રેરણાદાયી રહેશે : અપૂર્વભાઈ મણીઆર
અગ્ર ગુજરાત, રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર કેમ્પસ ખાતે આવેલા સરસ્વતી શિશુમંદિર મારૂતિનગરમાં સ્વ. મહેશજી પતંગેને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાભારતીના વરિષ્ઠ કાર્યકર્તા તેમજ સંગઠન મંત્રી મહેશજી પતંગેનું પુના ખાતે નિધન થતા રાજકોટમાં આયોજિત પ્રાર્થનાસભા દરમિયાન તેઓની રાષ્ટ્રસેવા, સંગઠન નિષ્ઠા અને વિદ્યાભારતી પ્રત્યેના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતી ડોક્યુમેન્ટ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે મહેશજીના પ્રેરણાદાયી જીવન, તેમના વિશિષ્ટ વ્યક્તિત્વ અને સેવાકાર્ય વિશે જણાવ્યું હતું કે, મહેશજીનું જીવન સંઘ-શૈક્ષણિક ક્ષેત્રમાં સદાય પ્રેરણાદાયી રહેશે. તેમણે મહેશજીના સંઘના પ્રચારક જીવનથી શરૂ કરીને વિદ્યાભારતીના સંગઠન મંત્રી સુધીની સફરના સંસ્મરણો વાગોળ્યા હતા.
પ્રાર્થના સભામાં સરસ્વતી શિશુમંદિરના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. બળવંતભાઈ જાનીએ પ્રવીણકાકા, વિદ્યાભારતી અને વિદ્યાલય સાથેના આત્મીય સંબંધોને યાદ કરીને મહેશજીને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ શ્રદ્ધાંજલિ સભામાં સરસ્વતી શિશુમંદિરના ટ્રસ્ટીઓ ડૉ. અનિલભાઈ કિંગર, ખંતિલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, રક્ષિતભાઈ પટેલ, પલ્લવીબેન દોશી, પ્રધાનાચાર્યો, આચાર્યગણ અને સંઘ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વ. મહેશજી પતંગેને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


