સરપંચની હેરાનગતિથી વ્યથિત યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
વડોદ ગામમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના પોસ્ટર મુદ્દે વિવાદનો આક્ષેપ; રાજકોટમાં સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ તાલુકાના વડોદ ગામમાં સરપંચ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એક યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા 40 વર્ષીય રમેશ હમીરભાઈ ચાવડાએ ગામમાં ફિનાઈલ પી લેતાં તેમની તબિયત બગડી હતી. શરૂઆતમાં તેમને જસદણની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. રમેશ ચાવડાના જણાવ્યા મુજબ ગામના સરપંચ હિંમતભાઈ ડાભી દ્વારા વિવિધ બાબતોમાં વારંવાર પરેશાન કરવામાં આવતા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે 14 એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગામમાં લગાવવામાં આવેલા પોસ્ટરો દૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી માનસિક રીતે દુઃખી થઈ તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જસદણ પોલીસે હોસ્પિટલ પહોંચી રમેશ ચાવડાનું નિવેદન નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ગામના તલાટી દ્વારા રમેશ ચાવડા સામે સરકારી ફરજમાં અવરોધ ઉભો કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.


