સ્વ. વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે બાલાજી મંદિરે ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતીનું આયોજન
રવિવારે સાંજે ૫થી ૭ મહાયજ્ઞ, વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુઃખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ સામે, ભૂપેન્દ્ર રોડ) આગામી તા. ૦૨ ઓગષ્ટ, ૨૦૨૬ ને રવિવારના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના વિકાસમાં જેમનો સિંહફાળો રહ્યો છે અને જેઓ રાજકોટવાસીઓના હૃદયમાં કાયમ બિરાજમાન છે, તેવા લોકલાડીલા નેતાની સ્મૃતિમાં દાદાના દરબારમાં આ ભક્તિસભર આયોજન થશે.
૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ: સ્વ. વિજયભાઈ રૂપાણીના જન્મદિવસના આ પાવન અવસરે, રવિવારે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાક દરમિયાન મંદિરના પટાંગણમાં ભવ્ય ‘૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ’ યોજાશે. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યોજાનાર આ યજ્ઞમાં આહુતિ આપીને દિવંગત આત્માની શાંતિ અને રાજકોટ શહેરની સુખાકારી માટે દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવશે.
નિરાજન આરતી: યજ્ઞની પૂર્ણાહુતિ બાદ, સંધ્યા સમયે વિશેષ ‘નિરાજન આરતી’ ઉતારવામાં આવશે. આ મંગલ આરતીમાં ઉપસ્થિત રહીને સૌ કોઈ દાદાની દિવ્ય ચેતનાનો અનુભવ કરશે.
આ સમગ્ર સ્મૃતિ મહોત્સવ અને યજ્ઞનું આયોજન બાલાજી હનુમાનજી મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.


