સિનિયર IPS અધિકારીઓ સરહદી ગામડાઓમાં પહોંચ્યા
૮ અધિકારીઓ આંતરરાષ્ટ્રીય બોર્ડરની સુરક્ષા અને ગ્રામીણ લોકોને સાંભળશે : બે દિવસીય એકશન પ્લાનનો પ્રારંભ
અગ્ર ગુજરાત, કચ્છ
ગુજરાતની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે રાજ્ય પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સરહદી સુરક્ષા અને ગ્રામીણ વિકાસના ડબલ એજન્ડા સાથે આજે રાજ્યના ઉચ્ચ IPS અધિકારીઓ કચ્છ તેમજ વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. પોલીસ વિભાગ દ્વારા ઘડવામાં આવેલા બે દિવસીય વિશેષ મેગા એક્શન પ્લાનનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. આ મુલાકાત અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ માત્ર સરહદોનું નિરીક્ષણ જ નહીં કરે, પરંતુ સરહદી ગામડાઓમાં રાત્રિ રોકાણ પણ કરવાના છે.
આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે સુરક્ષાની સ્થિતિ મજબૂત કરવાનો અને ગ્રામજનોમાં સુરક્ષાની ભાવના વધારવાનો છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન IPS અધિકારીઓ BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ની ચેકપોસ્ટ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની રૂબરૂ મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરશે. સરહદ પારથી થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ અને BSF વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.
સુરક્ષાની સાથે-સાથે આ મુલાકાત ગ્રામીણ વિકાસ સાથે પણ જોડાયેલી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સરહદી ગામોના સરપંચ, પંચાયતના સભ્યો અને સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ કરશે. આ માટે રાત્રિના સમયે વિશેષ ‘રાત્રિ ગ્રામસભા’નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોની સમસ્યાઓ સ્થળ પર જ સાંભળી શકાય.
લોકજાગૃતિ અને સુરક્ષા બંને મજબૂત બનશે
સરહદી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જેવી કે આંગણવાડી, સરકારી શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ભૌતિક સ્થિતિનો પણ તાગ મેળવવામાં આવશે. રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ સીધા ફિલ્ડમાં ઉતરતા સરહદી વિસ્તારોમાં લોકજાગૃતિ અને સુરક્ષા બંને મજબૂત બનશે.


