સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી
સર્વરની સમસ્યા થતા કામગીરી અટકી પડી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની કંડક્ટર ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો મેળવવા આરટીઓ કચેરીએ છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચી રહ્યા છે. જોકે બપોર બાદ સર્વર ડાઉન થવાની સમસ્યાને કારણે અનેક ઉમેદવારોને કામ કર્યા વિના પરત ફરવું પડી રહ્યું છે. દૂરના તાલુકાઓમાંથી આવેલા યુવાનોને વારંવાર ધક્કા ખાવા પડતા ભરતી પ્રક્રિયામાં અવ્યવસ્થાના પ્રશ્નો પણ સામે આવ્યા છે.
GSRTC દ્વારા જાહેર કરાયેલી કંડક્ટર ભરતી માટે ઉમેદવારોને વિવિધ દસ્તાવેજી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ભરતીમાં અરજી કરનાર ઉમેદવારોએ ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત વિગતો, બેઝ પ્રમાણપત્ર તેમજ અન્ય જરૂરી પુરાવાઓ મેળવવા માટે આરટીઓ કચેરીનો સંપર્ક કરવો પડે છે. આરટીઓ કચેરીમાં છેલ્લા દસ દિવસથી રોજ અંદાજે 200 થી 250 જેટલા ઉમેદવારો વિવિધ કામકાજ માટે આવી રહ્યા છે.
કચેરીમાં પહોંચેલા કેટલાક ઉમેદવારોએ જણાવ્યું કે ચાલુ દિવસે જ સર્વર અચાનક ટેક્નિકલ ખામી સર્જાતાં તમામ કામગીરી અટકી ગઈ હતી. પરિણામે કલાકો સુધી રાહ જોયા બાદ પણ અનેક ઉમેદવારોનું કામ થઈ શક્યું ન હતું.


