SGVP વાવડી ગુરુકુળથી મવડી સુધી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી દિવ્ય શોભાયાત્રામાં ઉમટ્યું જનમેદનીનું ઘોડાપૂર
અગ્ર ગુજરાત, રાજકોટ
જ્યારે ભક્તિ શિખર પર હોય ત્યારે કુદરત પણ તેને વધાવવા આતુર બને છે, તેનો અદ્ભુત પુરાવો અષાઢી બીજના પવિત્ર દિવસે રાજકોટના માર્ગો પર જોવા મળ્યો. SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રીબડા-વાવડી દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર એક નગરચર્યા ન બની રહેતા, રાજકોટની યાદગાર અને અલૌકિક ધાર્મિક સફર બની ગઈ હતી. રથયાત્રાના પ્રારંભની સાથે જ આકાશમાંથી વરસતા વરસાદમાં પણ ભક્તોના અતૂટ ઉત્સાહ અને અણનમ શ્રદ્ધાને ડગાવી શક્યો નહોતો. અબાલ-વૃદ્ધ સૌ કોઈ ધોધમાર વરસાદમાં નહાતા-પલળતા, પ્રભુ ભક્તિના રંગે રંગાઈને રથની સાથે કદમ મિલાવતા રહ્યા. માર્ગમાં આવતી દરેક સોસાયટીના રહીશોએ ભીંજાવવાની પરવા કર્યા વિના રસ્તા પર ઉતરીને ભગવાન જગન્નાથજીના રથ પર અવિરત પુષ્પવર્ષા કરી હતી. આ નયનરમ્ય દ્રશ્યોએ જોનારાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુરુકુળના આદ્ય સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૫મી જન્મજયંતીના પાવન અવસરે યોજાયેલી આ શોભાયાત્રાએ અમદાવાદ મેમનગર ગુરુકુળની ૨૦ વર્ષ જૂની ભવ્ય પરંપરાને રાજકોટની ધરતી પર સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધી છે. આ રથયાત્રામાં પર્યાવરણના જતન અને ગ્રીન રાજકોટના સંદેશ સાથે એક ખાસ ‘પર્યાવરણ રથ’ પણ સામેલ કરાયો હતો, જેમાં રાખવામાં આવેલા અનેકવિધ પ્રકારના ૧૫૦૦થી વધુ છોડવાઓનું માર્ગમાં ભક્તોને નિઃશુલ્ક વિતરણ કરીને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરાયો હતો.
ભક્તિના આ મહાઉત્સવનો મંગલ પ્રારંભ બપોરે ૧૦૮ બહેનો દ્વારા વિશેષ પૂજન તથા વિશિષ્ટ મામેરા વિધિથી થયો હતો, જેમાં ઠાકોરજીને ૫૦૦ કિલો ચોકલેટનો અનોખો અન્નકૂટ ધરાવી ભક્તોમાં અદ્ભુત પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ સાથે જ ભગવાન જગન્નાથજીના અતિપ્રિય એવા પરંપરાગત પ્રસાદની પણ અભૂપૂર્વ લહાણી કરવામાં આવી હતી, જેમાં ૬૦૦ કિલ્લો જેટલો પવિત્ર મગનો પ્રસાદ, 400 કિલો જેટલી તાજી કાકડી તથા ૫૦૦ કિલો જેટલી ઉત્તમ ખારેકનો પ્રસાદ સમગ્ર માર્ગ પર ઉપસ્થિત હજારો ભક્તોને ખૂબ જ ભક્તિભાવપૂર્વક વહેંચવામાં આવ્યો હતો.
રાજકોટના નવા વિસ્તારમાં SGVP ગુરુકુલ રીબડા – વાવડી આયોજિત રથયાત્રાની પહેન્દી વિધિમાં રીબડા ગુરુકુલના સંચાલક પૂજ્ય શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા બોરડી મંદિરના મહંત રાધારમણદાસજી સ્વામીની સાથે રાજકોટના મેયર નેહલભાઈ શુક્લ, રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા (IPS), સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે,કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગઢ અને રમેશભાઈ ટીલાળા, પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ, ગુરુકુલના ટ્રસ્ટી મધુભાઈ દોંગા, શિવસેના પ્રમુખ જીમ્મીભાઈ અડવાણી, પી.આઈ. ગોંડલિયા, ક્રાઈમ બ્રાન્ચના ચાવડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, કોર્પોરેટર કિશનભાઈ ટીલવા (વોર્ડ નં. ૧૨), ડી.સી.પી. હેતલ પટેલ તેમજ વોર્ડ નંબર ૧૧ અને ૧૨ ના કારોબારી સદસ્યો અને કોર્પોરેટરો સહિતના ઉચ્ચ પ્રશાસનિક અધિકારીઓ અને રાજકીય-સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. આ તમામ મહાનુભાવો અને પૂજ્ય સંતોના હસ્તે પહેન્દી વિધ અને આરતી ઉતારીને રથને પ્રસ્થાન કરાવાયો હતો. આ પ્રસંગે SGVP ગુરુકુળ રીબડાના સંચાલક પૂજ્ય શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ હરિભક્તોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, આ રથયાત્રા માત્ર કોઈ પરંપરા નથી પરંતુ સમાજમાં સનાતન ધર્મની ચેતના, ભાઈચારો અને સંસ્કારનું સિંચન કરવાનો એક ભગીરથ પ્રયાસ છે અને આ રથના દોરડા ખેંચીને નગરજનોએ અશ્વમેધ યજ્ઞ જેટલું પવિત્ર પુણ્ય મેળવ્યું છે.
બપોરે ૪ વાગ્યે વાવડી ગુરુકુળથી શરૂ થયેલી રથયાત્રા વાવડી ગેઈટ, જય ભારત પ્રાથમિક શાળા, આસોપાલવ ટ્રાય એંગલ, ખોડલ ચોક, રાણી ચોક, જય સરદાર ચોક, શિલ્પન એરિસ્ટા ફ્લેટ્સ, સંસ્કાર સિટી અને બાપા સીતારામ ચોક થઈને મવડી ચોકડી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી સાથે વિરામ પામી હતી. ધોધમાર વરસતા વરસાદની વચ્ચે પણ હાઈ-વોલ્ટેજ ડીજે અને ઢોલ-નગારાના તાલે ભક્તો પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમ્યા હતા, જેનાથી આખોય રૂટ મિની જગન્નાથપુરી જેવો ભક્તિમય ભાસતો હતો. રસ્તામાં શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણી, શરબત અને જ્યુસની અદભુત સેવાઓ સોસાયટીઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, ધર્મજાગરણ સમન્વય, સનાતન ધર્મ સંકલન સમિતિ, હિન્દુ જાગરણ મંચ, ખોડલધામ શિક્ષણ પાંખ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓના સંયુક્ત સહયોગથી આયોજિત આ મહોત્સવને સફળ બનાવવામાં મુખ્ય આયોજક કમિટીના પૂજ્ય શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી, કન્વીનર રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), સહ-કન્વીનર કમલેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અન્ય ૨૦ જેટલી પેટા કમિટીઓ અને SGVP ગુરૂકુલ પરિવારના હાથ-પગ સમાન ભાઈઓ-બહેનો અને સ્વયંસેવકોએ ખડે પગે અપ્રતિમ સેવાઓ આપીને આ રથયાત્રાને સોનામાં સુગંધ ભળે તેવી ઐતિહાસિક સફળતા અપાવી હતી.


