રાજ્યના ચાર DYSPને ઇન-સીટુ અપગ્રેડેશન : ઉચ્ચ પગારધોરણનો મળશે લાભ
પી.વી. રાવલ, બી.એલ. દેસાઈ, એચ.પી. દોશી અને જી.વી. પઢેરિયાનો સમાવેશ; હાલની ફરજ અને પોસ્ટિંગમાં કોઈ ફેરફાર નહીં
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્ય પોલીસ સેવાના ચાર વરિષ્ઠ અધિકારીઓને ઇન-સીટુ અપગ્રેડેશનનો લાભ આપતાં તેમને ઉચ્ચ કક્ષાના પગારધોરણમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સંબંધિત અધિકારીઓને આર્થિક રીતે લાભ થશે, જ્યારે તેમની વર્તમાન જવાબદારીઓ અને પોસ્ટિંગ યથાવત રહેશે.
સરકારી આદેશ મુજબ હાલમાં પોલીસ અધિકારી (હથિયારી/બિનહથિયારી) વર્ગ-1ના પે મેટ્રિક્સ લેવલ-10માં સેવા આપી રહેલા ચાર અધિકારીઓને ઇન-સીટુ ધોરણે પે મેટ્રિક્સ લેવલ-11ના ઉચ્ચ ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વ્યવસ્થા હેઠળ અધિકારીઓને બઢતી સમકક્ષ નાણાકીય લાભ મળશે, પરંતુ તેમની નિમણૂકના સ્થળ કે કાર્યક્ષેત્રમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
અપગ્રેડેશનનો લાભ મેળવનાર અધિકારીઓમાં મહેસાણા સ્થિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-15ના સેનાપતિ પી.વી. રાવલ, પંચમહાલના મુખ્ય મથક ખાતે પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા બી.એલ. દેસાઈ, જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટર (સોરઠ)ના પોલીસ અધિક્ષક એચ.પી. દોશી તેમજ અમદાવાદ સ્થિત લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોના નાયબ નિયામક જી.વી. પઢેરિયાનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અપગ્રેડ થયેલા અધિકારીઓને ઉચ્ચ કક્ષાની વર્ગ-1ની જગ્યાને અનુરૂપ પગારધોરણનો લાભ મળશે. સાથે જ નિયત નિયમો મુજબ ભાવિ વાર્ષિક ઇન્ક્રિમેન્ટની ગણતરી પણ નવા પગારધોરણને આધારે કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયને પોલીસ તંત્રમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા અધિકારીઓ માટે પ્રોત્સાહક પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. આર્થિક લાભ સાથે તેમની વરિષ્ઠતા અને અનુભવને પણ યોગ્ય માન્યતા મળ્યાનું માનવામાં આવે છે.


