સુમન માધ્યમિક શાળા સેલ અને કેપી હ્યુમન ફાઉન્ડેશન દ્વારા શિક્ષકો માટે ‘ભાષાસજ્જતા’ વિષયક વિશેષ તાલીમ યોજાઈ
શિક્ષકોના માધ્યમ થકી 15000થી વધારે વિદ્યાર્થીઓને ‘ભાષાસજ્જતા’નો લાભ મળશે
અગ્ર ગુજરાત, સુરત
સુમન માધ્યમિક શાળા સેલ અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન – સુરતના સંયુક્ત આયોજન હેઠળ સુમન હાઇસ્કૂલ – 4, અડાજણ પાટિયા ખાતે સુરતની તમામ સુમન શાળાઓના શિક્ષકો માટે ગુજરાતી જોડણી અને ભાષાસજ્જતા વિષયક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં ગુજરાતી ભાષાની સાચી જોડણીનું મહત્ત્વ, જોડણીના નિયમો, સામાન્ય ભાષાકીય ભૂલો ટાળવાની રીતો તેમજ વર્ગખંડમાં વિદ્યાર્થીઓમાં શુદ્ધ ગુજરાતી લેખનની કુશળતા વિકસે તે માટે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન – સુરત તરફથી તમામ શિક્ષકોને ‘સાચી જોડણી લાગે વહાલી’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. ઉપરાંત તજજ્ઞોનું સ્મૃતિભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત શિક્ષકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાલીમમાં શ્રી રાજેશકુમાર ધામેલિયા અને શ્રી હિંમતભાઈ પંચાલે ટ્રેનર તરીકે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં સુમન – 4ના આચાર્ય શ્રી સુરેશભાઈ અવૈયા અને વહીવટી અધિકારી શ્રી ધર્મેશભાઈ પટેલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પ્રસંગે શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “સુમન શાળાના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં સજ્જતા કેળવે તે માટે ‘સાચી જોડણી લાગે વહાલી’ અને ‘ભાષાસજ્જતા’ની પીડીએફ (PDF) તથા અન્ય જરૂરી શૈક્ષણિક સાહિત્ય નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ દ્વારા જોડણીના નિયમો શીખે અને શુદ્ધ ગુજરાતી લેખનની આદત વિકસાવે તે માટે શિક્ષકોની સક્રિય ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.”
ઉલ્લેખનીય છે કે આ તાલીમનો લાભ સુમન શાળાઓના અંદાજે 15,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને પરોક્ષ રીતે મળશે, કારણ કે તાલીમબદ્ધ શિક્ષકો વર્ગખંડમાં વધુ અસરકારક અને ગુણવત્તાસભર ભાષાશિક્ષણ આપી શકશે.


