”શિક્ષક એક જ્યોતિર્પૂજ” વિષય પર વી.વી.પી.ના કર્મચારીઓ માટે વર્કશોપ યોજાયો
શિક્ષક યુગનિર્માતા, રાષ્ટ્રનિર્માતા, જયોતિર્ધર, જ્યોતિર્પૂજ છે : સ્વામી નિખિલેશ્વરાનંદજી
ભારતીય શિક્ષણે આપેલો “વારસો” અમૂલ્ય છે. – ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ
અગ્ર ગુજરાત, રાજકોટ
વી.વી.પી. માં ”શિક્ષક એક જ્યોતિર્પૂજ” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો, જેમાં
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રમુખ સ્વામી નિખિલેશ્વરાનંદજી, ડો. સંજયભાઈ કામદાર- કણસાગરા કોલેજના ગુજરાતી વિભાગના પ્રોફેસર, ડો. આશિષભાઈ શુકલ-ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર, વી.વી.પી.ના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. નરેન્દ્રભાઈ દવે, વી.વી.પી. કોલેજના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારા, આર્કિટેક્ચર કોલેજના પ્રિન્સીપાલ પ્રો. દેવાંગભાઈ પારેખ, કીચ સ્કૂલ ઓફ ડીઝાઇનના પ્રિન્સિપાલ શૈલીબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
આ એક દિવસીય વર્કશોપ માં વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ, ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને કીચ સ્કૂલ ઓફ ડિઝાઇન ના તમામ વિભાગીય વડાઓ, પ્રાધ્યાપક ગણ અને કર્મચારીગણે ભાગ લીધો હતો.
આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, શિક્ષક યુગનિર્માતા, રાષ્ટ્ર નિર્માતાઓ, જ્યોતિર્ધર, જયોતિર્પૂજ છે. દુનિયાના સૌથી નોબલ, પવિત્ર પ્રોફેશનમાં તમે બધા છો તે વિશેષ વાત છે. શિક્ષક ભવિષ્યના શ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરી શકશે. શિક્ષક વિશે તેમણે વાત કરતાં ડો. એ. પી. જે. અબ્દુલકલામને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કલામ સાહેબ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ પોતે એ વાત જ યાદ કરતાં કે, પોતે શિક્ષક છે તેનું તેમને ગૌરવ છે. વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવું તે શિક્ષકોની ફરજ છે. તેની મનોચિકિત્સા કરવાનું કામ પણ શિક્ષકનું છે.
આ પ્રસંગે વીવીપીના ટ્રસ્ટી કૌશિકભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે, ભારતીય શિક્ષણે આપેલો વારસો અમૂલ્ય છે. ધાતુવિદ્યા, ટેક્સટાઈલ, ઈજનેરી યંત્રો, ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે હજારો વર્ષો પૂર્વે આપણા ઋષિઓએ કરેલી શોધો આજે પણ તેટલી જ પ્રસ્તુત છે. ભારતનો ભવ્ય શિક્ષણ વારસો આજના શિક્ષકો જો યાદ રાખશે તો નિશ્ચિતપણે ફરીથી આપણે શિરમોર બની શકીશું.
સાથે જ વન-ડે વર્કશોપમાં ઓપન હાઉસ ડીબેટ થઈ હતી જેમાં ડો. પિયુષભાઈ વણઝારા, પ્રો. દેવાંગભાઈ પારેખ, ડો. પરેશભાઈ કોટક વગેરેએ શિક્ષણ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્કેલના કન્વીનર ડો. સચિનભાઈ રાજાણી, ડો. દર્શનાબેન ભટ્ટી, ડો. શિલ્પાબેન કાથડ તેમજ સમગ્ર રીસર્ચ ટીમ અને સમગ્ર કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમની સફળતા બદલ પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારા તથા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્કેલ ટીમને સંસ્થાના ટ્રસ્ટીઓ ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણિયાર તથા ડો. નવીનભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી.


