કટારી કાળજે વાગી હવે સંભળાશે શ્રેયા ઘોષાલ અને આમીર મીરના સ્વરમાં
હિન્દી ફિલ્મ જગતની નામાંકિત સિંગર શ્રેયા ઘોષાલની ગુજરાતી ગઝલમાં એન્ટ્રી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતી ગઝલ જગતની અમર રચના ‘કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે’ હવે ઐતિહાસિક વળાંક પર છે. ઓસમાણ મીરના YouTube ચેનલ પર રિલીઝ થનારી આ નવી પ્રસ્તુતિમાં બોલીવૂડની સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે પ્રથમ વખત ગુજરાતી ગઝલમાં પોતાનો સૂર રેલાવ્યો છે. તેમની સાથે ઓસમાણ મીરના પુત્ર, યુવા ગાયક આમિર મીરે પણ અવાજ આપ્યો છે.
અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાનાર શ્રેયા ઘોષાલ માટે આ ગુજરાતી ગઝલ ક્ષેત્રે પહેલું પગલું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આ કલાકારનો અવાજ જ્યારે ‘કટારી કાળજે વાગી’ સાથે જોડાયો ત્યારે ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે આ ગર્વની ક્ષણ બની ગઈ.
સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીરના પુત્ર આમિર મીર હવે ગુજરાતી સંગીતમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. બાળપણથી જ પિતા પાસેથી સંગીતના સંસ્કાર પામેલા આમિરે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. ‘કટારી કાળજે વાગી’ જેવી ઐતિહાસિક રચનામાં શ્રેયા ઘોષાલ જેવા દિગ્ગજ કલાકાર સાથે આમિરનો અવાજ ગઝલને ચાર ચાંદ લગાવે છે.
ગઝલનો ઇતિહાસ 25 વર્ષ જૂનો છે. અંજારના કવિ વિનોદ માણેક ‘ચાતક’ દ્વારા લખાયેલી આ રચનાને ઓસમાણ મીરે રાગ ચારુકેશીમાં કંપોઝ કરીને સ્વરબદ્ધ કરી હતી. આ ગઝલ એટલી બધી લોકપ્રિય થઈ કે ખાલી ગુજરાત જ નહીં પણ ભારતભરના ગાયક કલાકારો તેને પોતાના કંઠે ગાઈ ચૂક્યા છે. ઘણા શ્રોતાઓ આ ગઝલને એટલી વખત સાંભળી ચૂક્યા છે કે તેઓ તેને કોઈ જૂની પરંપરાગત કે ‘ટ્રેડિશનલ’ રચના સમજી બેસે છે. જ્યારે હકીકતમાં તેને ઓસમાણ મીરે 25 વર્ષ પહેલાં જ સર્જી હતી.
આ ઐતિહાસિક ગઝલને શ્રેયા ઘોષાલ અને આમિર મીરના સંયુક્ત સ્વરે નવું પરિમાણ મળ્યું છે. આ નવા અવતારમાં સંગીતની જવાબદારી જાણીતા સંગીતકાર અતુલ રાણીંગાએ નિભાવી છે. અતુલ રાણીંગાએ ગઝલના મૂળ ભાવને અકબંધ રાખીને અત્યંત સૂરીલું અને હૃદયસ્પર્શી સંગીત આપ્યું છે. તેમના સંગીતમાં પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય જોવા મળે છે. ઓસમાણ મીરના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલી આ પ્રસ્તુતિ જૂની યાદોને તાજી કરવાની સાથે નવી પેઢીને પણ ગુજરાતી ગઝલની મીઠાશથી જોડશે. આ ઐતિહાસિક પ્રસ્તુતિ 19 જુલાઈ 2026 ના રોજ ઓસમાણ મીરની સત્તાવાર YouTube ચેનલ પર રિલીઝ થશે.


