તહેવારની સિઝન શરૂ થતા મોંઘવારીની ધાર! તેલના ભાવમાં ફરી રૂ.૫૦નો વધારો
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતો હોય તેલના ભાવમાં ભડકો થતાં ફરસાણ મોંઘા થવાના એંધાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાતા સામાન્ય પરિવારોનું રસોડાનું બજેટ ખોરવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી હતી, પરંતુ હવે ફરી એકવાર ભાવમાં નોંધપાત્ર વધારો થતા ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે. વેપારીઓનું કહેવું છે કે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે બજારમાં આ તેજી જોવા મળી રહી છે. જો કે જન્માષ્ટમી સહિતના તહેવારો શરૂ થતાં તેલના ભાવમાં વધારો આવ્યો છે. તેની અસર ફરસાણના ભાવ પર પડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
નવી કિંમતો મુજબ સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો થતાં એક ડબ્બાનો ભાવ રૂ. 2,820 સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 30નો વધારો નોંધાતા તેનો ભાવ રૂ. 2,670 થયો છે. આ ઉપરાંત સાઇડ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને પર તેની અસર જોવા મળી રહી છે.
માત્ર સિંગતેલ અને કપાસિયા તેલ જ નહીં પરંતુ સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ રૂ. 10થી 30 સુધીનો વધારો નોંધાયો છે. વિવિધ બ્રાન્ડ અને ગુણવત્તા પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. બજારમાં સતત વધી રહેલી માંગને કારણે આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ખાદ્યતેલના વધતા ભાવનો સૌથી વધુ ફટકો મધ્યમવર્ગ અને સામાન્ય પરિવારોને પડી રહ્યો છે. રોજિંદા ઉપયોગની જરૂરી વસ્તુઓમાં ખાદ્યતેલ મહત્વનું સ્થાન ધરાવતું હોવાથી તેના ભાવ વધતા ઘરખર્ચમાં વધારો થશે. જો આગામી સમયમાં પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ખાદ્યતેલના ભાવમાં હજુ વધુ વધારો થવાની શક્યતા બજારના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.


