વિરપરની સીમમાં ધમધમતી જુગાર કલબ પર SMC નો દરોડો,11 શખ્સો ઝડપાયા
ત્રણ મહિલાઓને નોટિસ, રૂ.20.80 લાખનો મુદ્દામાલ જપ્ત; સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી ઊઠ્યા સવાલો, છ આરોપીઓ સામે સંગઠિત ગુનાની કલમ પણ ઉમેરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ મથકની હદમાં આવેલા વિરપર ગામની સીમમાં લાંબા સમયથી ચાલતી હોવાની ચર્ચામાં રહેલી જુગાર કલબ પર રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ અચાનક દરોડો પાડી જુગારના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન રાજકોટ સહિત વિવિધ શહેરો અને તાલુકાઓમાંથી આવેલા 11 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ મહિલાઓને નોટિસ પાઠવવામાં આવી છે. સ્થળ પરથી રોકડ, વાહનો સહિત કુલ રૂ.20.80 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ, વિરપર ગામ નજીક આવેલી દલસુખ રત્ન પરમારની વાડીમાં લાંબા સમયથી જુગારની મહેફિલ જામતી હોવાની ચોક્કસ બાતમી એસએમસીને મળી હતી. ત્યારબાદ પીઆઈ આર.કે. કરમટાના માર્ગદર્શન હેઠળની ટીમે સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા અને રમાડતા લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની સતર્કતા અને કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટની ત્રણ મહિલાઓ ઉપરાંત જામખંભાળિયા, કાલાવડ, જસદણ અને પડધરી વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે રાજકોટનો વિક્રમ મોતી આલ સમગ્ર જુગાર કલબના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો અને ખેલાડીઓ પાસેથી ‘નાલ’ ઉઘરાવી જુગાર રમાડવાની વ્યવસ્થા કરતો હતો.
એસએમસીની ફરિયાદના આધારે ભાડલા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ અગાઉ પણ સંગઠિત રીતે જુગાર રમવાના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવતાં વિક્રમ આલ સહિત છ શખ્સો સામે સંગઠિત ગુનાની સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નથુ નારણ કાબરીયા, ઘના અજા લાંબરીયા, દેશુર મનુ બસીયા, મુનેશ ઉર્ફે મુનો જીણા સાસકિયા, વિક્રમ મોતી આલ અને ધર્મેન્દ્રપરી અશ્વિનપરી ગોસ્વામી સામે અગાઉના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશન બાદ સ્થાનિક પોલીસની કામગીરી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. જે વિસ્તારમાં લાંબા સમયથી જુગાર કલબ ચાલતી હોવાના આક્ષેપો હતા, ત્યાં સ્થાનિક પોલીસ અજાણ રહી કે પછી આંખ આડા કાન કરતી રહી તે મુદ્દે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસના જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય પગલાં ભરાય તેવી પણ ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે.


