જૂનાગઢમાં તંત્રની બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાથી શહેરના રસ્તાઓ જર્જરીત
3૦૦થી વધુ વખત ફરિયાદ કરવા છતાં સ્થિતિ જૈસે થે જેવી જ : વાહન ચાલકોને ભારે હાલાકી
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલા વોર્ડ નંબર-14ના દોમડીયા વાડી વિસ્તારમાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ મહત્વના વિસ્તારમાં હાર્ટ કેસ હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડીંગો, ત્રણથી વધુ બેંકો અને વિવિધ સંસ્થાઓની વાડીઓ આવેલી છે, જ્યાં અવારનવાર લગ્ન પ્રસંગો યોજાય છે અને રોજના હજારો લોકો પસાર થાય છે. પરંતુ હાલમાં આ રોડ પર અસંખ્ય મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે અને પાણી ભરાયા છે, જેના કારણે અહીં અબેહૂબ મંગળ ગ્રહ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે.
આ ખાડા અને રસ્તા પર નાખવામાં આવેલા મોટા પથ્થરોના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો અને ખાસ કરીને હાર્ટ હોસ્પિટલે આવતા ગંભીર દર્દીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને અવારનવાર ઇજાગ્રસ્ત બની રહ્યા છે. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સોઈ રહ્યું હોય તેમ લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
સ્થાનિકો અને વાહનચાલકોએ ભારે આક્રોશ વ્યક્ત કરી કહ્યું હતું કે ચૂંટણી સમયે મત આપ્યા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. દરરોજની ઓનલાઈન ફરિયાદો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. આ રોડને ચાર-ચાર વખત ખોદવામાં આવ્યો અને ત્યારબાદ વરસાદ આવતા માત્ર મોટા પથ્થરો નાખી દેવાયા, જે હાલ અકસ્માતનું મુખ્ય કારણ બન્યા છે. જો આ જ પરિસ્થિતિ રહી તો સ્થાનિકોએ પોતાની મિલકતો વેચીને હિજરત કરવાનો વારો આવશે.
આ રોડ નજીક રહેતા એડવોકેટ પ્રશાંત વ્યાસે ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા ચારેક મહિનાથી અહીં ભયંકર પરિસ્થિતિ છે. તેમની ઓફિસથી લઈને બાળકો અને વૃદ્ધો દિવસમાં સવારથી અસંખ્ય વાર ગબડી પડે છે. તેઓ પોતે ‘જૂનાગઢ 311’ એપ્લિકેશનમાં છેલ્લા 365 દિવસમાંથી 300 વાર દરરોજ સવારે 9 વાગ્યે ઓનલાઈન ફરિયાદ કરી ચૂક્યા છે, છતાં આજદિન સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, છ મહિના પહેલાં અહીં સિમેન્ટ રોડ હતો, પણ આ રોડ ચાર વાર ખોદાયો. વરસાદ પહેલા આવીને ખોદી જાય અને પછી માટી તથા પાણાના ઢગલા નાખતા જાય છે, જેના કારણે તેમની ઓફિસના અત્યાર સુધીમાં 6 થી વધારે વાર કાચ તૂટી જતાં બદલાવવા પડ્યા છે. બાજુમાં હાર્ટની હોસ્પિટલ છે, સામે કમળિયા વાડી અને ભૂતનાથ મંદિર છે જ્યાં વૃદ્ધો આવે છે, પણ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.


