આંગણવાડીઓમાં ત્રીજા મંગળવારે “બાળ દિવસ” તથા “અન્નપ્રાશન દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી
વિદ્યાર્થીઓને વિવિધ વિષય અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી, આઈ.સી.ડી.એસ.ના ચેરમેન કેતનભાઈ પટેલ તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા શહેરની તમામ આંગણવાડીઓમાં ત્રીજા મંગળવાર નિમિત્તે તા.૨૧-૦૭-૨૦૨૬ ના રોજ “બાળ દિવસ” તથા “અન્નપ્રાશન દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિર્ધારિત માસિક થીમ “ઝાડ અને છોડ” અંતર્ગત આંગણવાડીના બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. બાળકોને બીજ કેવી રીતે વાવવા, છોડ કેવી રીતે ઉછેરવા અને વૃક્ષો તથા પર્યાવરણનું આપણા જીવનમાં શું મહત્વ છે તે અંગે સરળ અને રસપ્રદ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ વેસ્ટમાંથી બેસ્ટના સંદેશ સાથે ઉપયોગમાં ન હોય તેવી સામગ્રીમાંથી કુંડા તૈયાર કરાવી તેમાં બીજ અને છોડ વાવવાની પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી.
આ ઉપરાંત બાળકોને બગીચામાં લઈ જઈ વિવિધ પ્રકારના વૃક્ષો, વેલાઓ, ફળો, શાકભાજી તથા ફૂલછોડ અંગે માહિતગાર કરવામાં આવ્યા. પ્રકૃતિ સાથે સીધો પરિચય થાય તે માટે બાળકોને વિવિધ રમતો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા, જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
કાર્યક્રમ દરમિયાન ૬ માસ પૂર્ણ કરેલા બાળકો માટે “અન્નપ્રાશન દિવસ”ની પણ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોને બાલશક્તિ પેકેટમાંથી પ્રથમ વખત પાતળી રાબ ખવડાવી અન્નપ્રાશનની વિધિ કરાવવામાં આવી. સાથે જ માતાઓને બાળકના વય અનુસાર પૌષ્ટિક આહાર, દિવસ દરમિયાન કેટલો અને કેવો ખોરાક આપવો, બાળકના વજનમાં યોગ્ય વધારો કેવી રીતે કરવો તેમજ સ્વચ્છતાના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉજવણીના ભાગરૂપે બાળકને વાટકી અને ચમચી પણ ભેટરૂપે આપવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકાઓ, પી.એસ.ઈ., આંગણવાડી કાર્યકરો, તેડાગરો, વાલીઓ તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી જ પોષણ, સ્વચ્છતા, પ્રકૃતિ પ્રત્યેનો લગાવ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવાનો રહ્યો હતો.


