ડૉ. હેડગેવારજી પર આધારિત આવરણ, માહિતી પુસ્તિકા તથા ટપાલ મુદ્રાનું લોકાર્પણ
ડૉ.હેડગેવારજી જીવનમાં સંઘ કાર્ય અને રાષ્ટ્રકાર્ય સિવાય બીજો કોઈ વિષય નહોતો : ડૉ. મોહન ભાગવતજી
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય ટપાલ વિભાગ, નાગપુર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક પૂજનીય ડૉ. કેશવ બલિરામ હેડગેવારજીના ઐતિહાસિક નિવાસસ્થાન “ડૉ. હેડગેવાર નિવાસ, નાગપુર” પર આધારિત વિશેષ આવરણ, માહિતી પુસ્તિકા તથા કાયમી સચિત્ર ટપાલ મુદ્રાના લોકાર્પણનો સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે જણાવ્યું હતું કે, “ડૉ. હેડગેવારજી અને સંઘ એકબીજાથી અભિન્ન છે. તેમના જીવનમાં સંઘ કાર્ય અને રાષ્ટ્રકાર્ય સિવાય બીજો કોઈ વિષય નહોતો.” તેમણે જણાવ્યું કે આ જ ઐતિહાસિક ભવનના ઉપરના માળે આવેલી તેમની કોઠરીમાં વિજયાદશમીના પાવન દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. તે સમયે સંઘ નાનો હતો, પરંતુ આજે તેનું કાર્ય સમગ્ર દેશમાં વ્યાપક રીતે વિસ્તર્યું છે.
તેમણે જણાવ્યું કે સંઘના કાર્યનો વ્યાપ સતત વધ્યો છે અને દેશ-વિદેશમાં તેના પ્રત્યેની ઉત્સુકતા સતત વધી રહી છે. માત્ર જિજ્ઞાસા જ નહીં, પરંતુ મનુષ્ય નિર્માણની સંઘની કાર્યપદ્ધતિ આજે વિકાસના માર્ગે આગળ વધી રહેલા અનેક દેશોની પણ આવશ્યકતા બનતી જઈ રહી છે. વ્યક્તિ નિર્માણની આ પરિણામલક્ષી કાર્યપદ્ધતિ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.
આ કાર્યક્રમમાં સહ પ્રાંત સંઘચાલક શ્રીધર ગાડગેજી, મહાનગર સંઘચાલક રાજેશ લોયાજી, નાગપુર ક્ષેત્રના ટપાલ સેવાઓના નિયામક ડૉ. સુધીર જાખેરેજી, મહારાષ્ટ્ર અને ગોવા પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ રામચંદ્ર જયભાયેજી, ટપાલ વિભાગ, નાગપુરના અધિકારીઓ તથા કર્મચારીઓ અને ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ, નાગપુરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


