રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી
પોલીસે એમ.વી.એક્ટ હેઠળ સ્થળ પર જ રૂ. ૮૪૦૦ ના દંડની વસૂલાત કરાઇ
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ ટ્રાફિકની સમસ્યા હલ કરવાના હેતુથી ડીવાયએસપી નયના ગોરડીયા દ્વારા ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીને પગલે નિયમભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજુલા શહેરના મુખ્ય એવા હોસ્પિટલ ચોક અને એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ અંતર્ગત વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઇવમાં રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એફ. ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. ટ્રાફિક નિયમનની સાથે-સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન એમ.વી.એક્ટ હેઠળ નિયમભંગ બદલ કુલ ૩૦ સ્થળ પર જ દંડની પાવતી ફાડી કુલ રૂ. ૮,૪૦૦ ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ત્રિપલ સવારી, ફેન્સી નંબર પ્લેટ, કાચ પર બ્લેક ફિલ્મ, ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરવા તેમજ રોડ પર અડચણરૂપ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત એમ.વી. એક્ટની કલમ ૨૦૭ મુજબ નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનાર એક વાહનને સ્થળ પર જ ડિટેઇન કરવામાં આવ્યું હતું.


