ઉનાના નાડેજ-ઉંટવાળાની શાળામાં રૂ.1.55 કરોડના ખર્ચે 13 નવા વર્ગખંડોનું નિર્માણ થશે
“ગ્રામ્ય બાળકોને હવે મળશે શહેર જેવું શિક્ષણ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ઉના તાલુકાના નાઠેજ અને ઉંટવાળા ગામની પ્રાથમિક શાળાઓમાં કુલ ₹1.55 કરોડના માતબર ખર્ચે 13 અત્યાધુનિક વર્ગખંડોના નિર્માણ માટેઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે ભવ્ય ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.શિક્ષણના મંદિરમાં આ નવા ઓરડાઓ બનવા થી ગામડાના ભૂલકાંઓને હવે શહેર જેવી સુવિધાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે.
આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત નાઠેજ ગામની પ્રાથમિક શાળામાં ₹65 લાખના ખર્ચે 6 નવા વર્ગખંડો આકાર લેશે. જ્યારે ઉંટવાળા ગામનીપ્રાથમિક શાળામાં ₹90 લાખના ખર્ચે 7 અત્યાધુનિક ઓરડા ઓનું નિર્માણ થશે. આમ, કુલ ₹1.55 કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે 13 નવા વર્ગખંડો તૈયાર થશે.
ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જણાવ્યું કે,ગ્રામ્ય વિસ્તાર ના એકેએક બાળકને સારું અને ઉચ્ચ શિક્ષણ મળે તે મારો સંકલ્પ છે. ઉંટવાળા પ્રાથમિક શાળાના જર્જરિત બિલ્ડિંગ અંગે મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને મેં ગંભીરતાથી લીધી હતી રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો કરીને આ ₹1.55 કરોડનું ભંડોળ મંજૂર કરાવવામાં સફળતા મળી છે.તેમણે ઉમેર્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે.જર્જરિત ઓરડામાં ભણતા બાળકો ને જોઈને મારું હૈયું કંપી ઉઠતું હતું. હવે આ નવા, હવા ઉજાસવાળા અને સુવિધાયુક્ત વર્ગખંડોમાં બાળકો ખુશી-ખુશી અભ્યાસ કરી શકશે.
આ ઐતિહાસિક ખાતમુહૂર્ત પ્રસંગેતાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને નાઠેજ-ઉંટવાળા બંને ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ગ્રામજનો ના ચહેરા પર પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.એક સ્થાનિક વાલીએ ભાવુક થઈને કહ્યું અમારા ગામના છોકરા પણ હવે સારા સ્કૂલ માં ભણશે. ધારાસભ્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમારી વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાઠેજ અને ઉંટવાળા પંથક ના સેંકડો બાળકોને ડિજિટલ બોર્ડ, પૂરતી લાઈટ, હવા-ઉજાસ અને બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ મળશે, જેનાથી તેમના શિક્ષણની ગુણવત્તામાં ધરખમ વધારો થશે.


