ઉપલેટા બાર એસોસિએશન દ્વારા રાજકોટમાં હાઈકોર્ટ બેંચની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વકીલો હડતાળ પર ઉતર્યા
સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને સસ્તો અને ઝડપી ન્યાય અપાવવા માટે કોર્ટ કાર્યવાહીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ઉપલેટા બાર એસોસિએશનના વકીલો દ્વારા રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની બેંચની સ્થાપના કરવાની વર્ષો જૂની માંગને લઈને આજે રજૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશન દ્વારા આપવામાં આવેલા પ્રતીક હડતાળના એલાનને પગલે ઉપલેટાના વકીલો કોર્ટની કાર્યવાહીથી સંપૂર્ણપણે અળગા રહ્યા હતા. આ મુદ્દે તેઓએ ઉપલેટાના મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ મારફતે રાજકોટ જિલ્લા કલેકટરને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, હાલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી કુલ તકરારોમાંથી ૪૦ ટકા જેટલા લીટીગેશન (કેસો) માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાંથી જ આવે છે. જો રાજકોટમાં હાઈકોર્ટની બેંચ આપવામાં આવે તો આ ૪૦ ટકા તકરારો રાજકોટ બેંચને મળે, જેનાથી નામદાર ગુજરાત હાઈકોર્ટનું કામનું ભારણ અને કેસોની પેન્ડન્સી ઘટી શકે છે. હાલ સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના લોકોને ન્યાય મેળવવા માટે છેક અમદાવાદ સુધી જવું પડે છે, જેમાં આવવા-જવાનો ઓછામાં ઓછો ૬ થી ૧૨ કલાકનો સમય અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. જો કેસમાં મુદત પડે તો તેમને ન્યાય મેળવવા માટે નાણાં અને સમયનો ભારે વ્યય થાય છે.
આ બાબતે વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટ શહેર એ સૌરાષ્ટ્ર-કચ્છનું સેન્ટર પોઈન્ટ છે અને ભૂતકાળમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર બેંચ કાર્યરત હતી. ગુજરાત સિવાયના અન્ય ઘણા રાજ્યોમાં પણ લોકોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે બે થી ચાર હાઈકોર્ટ બેંચો ફાળવવામાં આવી છે. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની સરકારથી લઈને આજદિન સુધીના તમામ મુખ્યમંત્રીઓએ ચૂંટણી ઢંઢેરામાં રાજકોટને હાઈકોર્ટ બેંચ આપવાનું લોકોને વચન આપેલું છે.
રાજકોટ એક વિકસિત શહેર છે અને ત્યાં હાઈકોર્ટ બેંચ તેમજ જજોના રહેણાંક માટેની વિશાળ જગ્યા ઉપલબ્ધ છે. આથી, પક્ષકારોને ઘરઆંગણે સરળ અને સસ્તો ન્યાય મળી રહે તે હેતુથી ઉપલેટા બાર એસોસિએશનના ઈન્ચાર્જ પ્રમુખ વિરલ એસ. કાલાવડીયા અને સેક્રેટરી કે. એમ. બારૈયા તેમજ ઉપસ્થિત વકીલો દ્વારા આ માગણીઓ સરકાર સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.


