સોમવારથી વેકેશન પૂર્ણ, સ્ટેશનરી ખરીદવા દુકાનોમાં ભીડ
યુનિફોર્મ, દફતર સહિતની ચીજવસ્તુઓમાં ૧૦ ટકા સુધી ભાવ વધતા નવા સત્રથી જ વાલીઓ પર આવેલો બોઝ
બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે મોંઘી વસ્તુઓ ખરીદવા પણ વાલીઓની મજબૂરી
અગ્ર ગુજરાત, રાજકોટ
અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સીધી અસર હવે વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ અને શૂઝ-મોજા પર પણ જોવા મળી રહી છે. આગામી 8 જૂનના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પૂર્વે રાજકોટમાં બાળકોના શાળાના યુનિફોર્મ તેમજ પાઠ્યપુસ્તકોની ખરીદી માટે વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની સ્કૂલ યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ 7%થી 10% જેટલી મોંઘી થઈ છે, જેથી આ મોંઘવારી વચ્ચે બાળકોને શિક્ષણ આપવું વાલીઓ માટે ઘણું આકરૂં બન્યું છે.
રાજકોટના દિપક રેડિમેઇડ સ્ટોરના ભાગ્યેશ વોરાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 65 વર્ષથી યુનિફોર્મના વેચાણનું કામ કરીએ છીએ. આજથી 10 વર્ષ પહેલા પરિસ્થિતિ એવી હતી કે યુનિફોર્મ સહિતની ખરીદીની સિઝન બે મહિના સુધી ચાલતી હતી, પરંતુ હવે આ સિઝનનો પીરિયડ ટૂંકો થઈને માત્ર 8થી 10 દિવસનો જ રહ્યો છે. વાલીઓ છેલ્લી ઘડીએ જ ખરીદી માટે ધસારો કરે છે.
તેમણે ઉમેર્યું કે, વૈશ્વિક યુદ્ધની અસરને કારણે રો-મટીરિયલ (કાચો માલ) મોંઘો થતાં દરેક પ્રોડક્ટમાં 7%થી 10%નો ભાવવધારો થયો છે. મહારાષ્ટ્ર, ભિવંડી, ભીલવાડા અને લુધિયાણાથી તમામ ચીજવસ્તુઓ મંગાવવામાં આવે છે. ત્યાં રો-મટીરિયલ મોંઘું થતાં સ્વાભાવિક રીતે જ અહીં કોસ્ટિંગ ઊંચું આવ્યું છે. હાલમાં કે.જી.ના બાળકનો સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ શૂઝ અને મોજાનો સેટ રૂ.1,100થી રૂ.1,500 સુધી પહોંચ્યો છે.
સ્ટુડન્ટ બૂક સ્ટોરના સંચાલક અતુલ મજેઠીયાએ જણાવ્યું હતું કે, હાલ ગવર્મેન્ટના એક પાઠ્યપુસ્તકનો વધુમાં વધુ ભાવ રૂ.65 છે. ટેક્સ્ટ બુક GST ફ્રી હોવાના કારણે આ વખતે સરકારી પુસ્તકોના ભાવમાં કોઈ વધારો ઝીંકાયો નથી.
CBSE બોર્ડમાં અભ્યાસ કરતા ધોરણ-2 ના વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકો અને નોટબુક્સનો કુલ સેટ રૂ.4,965 માં પડી રહ્યો છે. જેમાં રૂ.4,141 માત્ર પાઠ્યપુસ્તકોના અને રૂ.824 નોટબુક્સના ચૂકવવા પડી રહ્યા છે.
મોંઘવારીમાં ખર્ચ અઘરો
ખરીદી કરવા આવેલા વાલીએ જણાવ્યું હતું કે, મારો બાળક ધોરણ 3માં અભ્યાસ કરે છે. હાલ મોંઘવારી ખૂબ જ હોવાથી મધ્યમવર્ગીય સેલેરીમાં આ બધો ખર્ચો કવર કરવો અઘરો બન્યો છે.
માર્કેટમાં વેચાતી ચીજવસ્તુના ભાવ
- સ્કૂલ યુનિફોર્મ (નાના બાળકો માટે): રૂ.1,200થી રૂ.1,500
- સ્કૂલ યુનિફોર્મ (મોટા વિદ્યાર્થીઓ માટે): રૂ.2,500થી રૂ.3,000
- સ્પોર્ટ્સ યુનિફોર્મ: રૂ.1,000
- સ્કૂલ બેગ: રૂ.800
- સ્કૂલ શૂઝ: રૂ.250
- ગુજરાત બોર્ડ પાઠ્યપુસ્તકોનો સેટ (એવરેજ): રૂ.1,200 થી રૂ.1,500
- CBSE બોર્ડ પાઠ્યપુસ્તકોનો સેટ (એવરેજ): રૂ.5,000 થી રૂ.7,000


