વૈષ્ણવાચાર્ય પૂ.ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજનો અગ્નિ સંસ્કાર સંપન્ન
યોગેશ્વર મહોદય, દ્રુમિલકુમારજી અને વ્રજરાજકુમારે વૈષ્ણવોને ધૈર્ય રાખવા અપીલ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
વડોદરા ખાતે વૈષ્ણવ સમાજ માટે અત્યંત શોકમય વાતાવરણ વચ્ચે વૈષ્ણવાચાર્ય વાકપતિ પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજશ્રીનો અગ્નિ સંસ્કાર વિધિવત રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પૂજ્ય યોગેશ્વરજી મહોદય, પૂજ્ય દ્રુમિલકુમારજી મહોદય તેમજ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના આશીર્વચનોથી વૈષ્ણવ સમાજને ધૈર્ય આપ્યું હતું.
આ સાથે અનેક રાજકીય આગેવાનો તથા સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોટી સંખ્યામાં વૈષ્ણવો દ્વારા અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા અને આશ્રુભીની વિદાય આપવામાં આવી હતી। શ્મશાન યાત્રામાં પણ વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને ભાવનાથી ભરપૂર બન્યું હતું.
પૂજ્ય મથુરેશ્વરજી મહારાજનો જીવનપ્રવાસ અત્યંત પ્રેરણાદાયી રહ્યો છે। સમસ્ત વલ્લભકુલ પરિવારમાંથી પ્રથમ પેહલ કરીને તેમણે વિદેશમાં પુષ્ટિમાર્ગનો ધ્વજ લહેરાવવાનો ઐતિહાસિક પ્રારંભ કર્યો હતો। અંદાજે ૪૦ વર્ષ પહેલાં અમેરિકાની ધરતી પર હ્યુસ્ટન અને ન્યુયોર્ક ખાતે બે હવેલીના નિર્માણ દ્વારા તેમણે પુષ્ટિમાર્ગને વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યો હતો. તેમણે અસંખ્ય વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા આપી અને વિશ્વના લગભગ ૫૦ દેશોમાં ધર્મધ્વજ લહેરાવવાનો પાયો નાખ્યો હતો। તેઓ એવા પ્રથમ વૈષ્ણવાચાર્ય રહ્યા જેમણે વૈશ્વિક સ્તરે પુષ્ટિ પરંપરાનો પ્રસાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગુજરાત સહિત વિદર્ભ, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ તેમણે વ્યાપક પ્રવાસ કરીને અનેક મંદિરોની સ્થાપના કરી હતી અને વૈષ્ણવ સમાજને સંગઠિત કરવાનો મહાન પ્રયાસ કર્યો હતો.
દક્ષિણ ભારતમાં ચેન્નઈ ખાતે લગભગ ૩૦ વર્ષ પહેલાં વિશાળ વૈષ્ણવ કોલેજની સ્થાપના કરીને શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપ્યું હતું, જ્યાં આજે આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તેમ જ તિરુપતિ ખાતે ભવ્ય “દક્ષિણ શ્રીનાથ ધામ” ની સ્થાપના કરી છે તેમજ તિરુમલા ખાતે ભવ્ય મહાપ્રભુજીની બેઠકજી અને રામેશ્વર ખાતે સુંદર મહાપ્રભુજીની બેઠકજીનું નિર્માણ પણ પૂજ્યની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું છે. તેમના નિધનથી વૈષ્ણવ સમાજે એક મહાન માર્ગદર્શક, પ્રેરણાસ્ત્રોત અને આધ્યાત્મિક નેત્તૃત્વ ને ગુમાવ્યા છે। તેમના દર્શાવેલા માર્ગ પર ચાલીને જ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ થઈ શકે છે.


