વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો
ગંભીર હાલતમાં યુવાનને જૂનાગઢ ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડવાના સામાન્ય બનાવમાં યુવકને છરી ઝીંકી હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ અંગે ગુનો દાખલ કરવા તજવીજ કરાઈ છે. 25 વર્ષીય બિપીન બલદાણીયાને ગંભીર હાલતમાં જૂનાગઢ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. અહીં તે સારવાર હેઠળ છે. આ અંગે મળતી માહિતી અનુસાર, બિપિન ધનજીભાઈ બલદાણીયા (ઉંમર વર્ષ 25, રહે.વેકરીયા ગામ, તા.વિસાવદર, જિ. જૂનાગઢ) ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે સામેવાળા રાજદીપ, કુલદીપ અને મિતએ ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો.
જેમાં રાજદીપે છરી કાઢી કમરના ભાગે મારી દેતા છરીનો ઊંડો ઘા લાગી જતા લોહી લુહાણ હાલતમાં બિપિનને પહેલાં વિસાવદરની હોસ્પિટલ બાદ જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીઓની ધરપકડની તજવીજ કરી હતી.
પરિવારે જણાવ્યું કે, બીપીન બે ભાઈ અને ચાર બહેનમાં નાનો છે અને કુંવારો પોતે ખેતી કામ કરે છે અને ટ્રેક્ટર ચલાવે છે. ગઈકાલે તે વાડીએથી ટ્રેક્ટર લઈને ઘરે આવ્યો હતો ત્યારે તેમના ઘરની સામે સામેવાળા બેઠા હોય અને તે અપ શબ્દો બોલતા હોય તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સામેવાળાઓએ આ હુમલો કર્યો હતો.


