હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
AHTUનો દરોડો : રિસેપ્શનિસ્ટ અને ગ્રાહક ઝડપાયા, સંચાલિકા ફરાર; શોષિત યુવતીઓને મુક્ત કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં હેલ્થ સેન્ટરના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે. સાધુ વાસવાણી રોડ નજીક ગોપાલ ચોક પાસે આવેલા એક હેલ્થ સેન્ટરમાં દરોડો પાડતા દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કાર્યવાહી દરમિયાન એક મહિલા રિસેપ્શનિસ્ટ અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર રેકેટની સંચાલિકા હોવાનું સામે આવેલી મહિલા દરોડાની જાણ થતાં ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થળ પરથી શોષિત યુવતીઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ, બાલમુકુંદ સોસાયટી વિસ્તારમાં આવેલા એક મકાનમાં “હેલ્થ સેન્ટર”ના નામે વજન ઘટાડવા અને વધારવાની સારવાર આપવામાં આવતી હોવાનો દેખાવ કરવામાં આવતો હતો, પરંતુ અંદરથી દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો.
પોલીસે પૂર્વયોજના મુજબ દરોડો પાડતા હેલ્થ સેન્ટરમાં ગ્રાહકો પાસેથી પ્રવેશ ફી તરીકે રોકડા તેમજ ઓનલાઈન ક્યુઆર કોડ મારફતે રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ગ્રાહકોને યુવતીઓ સાથે શરીર સંબંધ બાંધવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક ગ્રાહક પાસેથી રૂ. 1,000થી રૂ. 1,500 સુધીની રકમ લેવામાં આવતી હતી. તેમાં શોષિત યુવતીને રૂ. 500 આપવામાં આવતા જ્યારે બાકીની રકમ સંચાલિકા પોતાના કમિશન તરીકે રાખતી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ધંધો છેલ્લા લગભગ એક વર્ષથી ભાડે રાખવામાં આવેલા મકાનમાં ચાલતો હતો. સ્થળ પરથી ત્રણ મોબાઇલ ફોન સહિત આશરે રૂ. 17 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સંચાલિકા ભાવનાબેન જોષી, રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી પભીબેન કરમુર અને ગ્રાહક તરીકે આવેલા ચિંતન વાસજાળીયા સામે ધી ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ પભીબેન અને ચિંતનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી ભાવનાબેનની શોધખોળ ચાલુ છે.
પોલીસના જણાવ્યા મુજબ, હેલ્થ સેન્ટરની બહાર અને અંદરનું વાતાવરણ એવું તૈયાર કરવામાં આવ્યું હતું કે સામાન્ય વ્યક્તિને કોઈપણ પ્રકારની શંકા ન જાય. વજન ઘટાડવાની અને શરીર ફિટનેસ માટે ઉપયોગમાં લેવાતી વિવિધ મશીનો અંદર ગોઠવવામાં આવી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મશીનો માત્ર દેખાવ પૂરતી જ હતી અને તેનો વાસ્તવિક ઉપયોગ થતો ન હતો. સમગ્ર સેટઅપનો ઉપયોગ માત્ર હેલ્થ સેન્ટરની આડમાં ગેરકાયદે દેહવ્યાપારના ધંધાને ઢાંકવા માટે કરવામાં આવતો હતો.
દરોડા દરમિયાન સંચાલિકા સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેના સંભવિત ઠેકાણાઓ પર તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ફરાર મહિલા શિક્ષિકા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.
આ સમગ્ર કાર્યવાહી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ગોહિલ, એએસઆઈ અજયકુમાર શુક્લા, સલીમ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશ મારુ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસ હવે આ રેકેટ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલ છે કે નહીં તેમજ કેટલા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ આગળ વધારી રહી છે.


