જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા મોરવાડા ગામે ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા યોજાઇ
વરસાદી પાણીના સંગ્રહ અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે ગ્રામજનોને અપાયું માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મોરવાડા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીની જળસંચય અને જળવ્યવસ્થાપનની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગામમાં પાણીની સમસ્યાના કાયમી નિકાલ અને જળ સ્તર ઊંચા લાવવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ આ ગ્રામસભામાં ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રનો મજબૂત આધાર જળસંચય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી લોકભાગીદારી દ્વારા ચેકડેમ ઊંડા ઉતારવા, ખેત તલાવડીઓ બનાવવી અને બોર રિચાર્જ જેવા ભગીરથ કાર્યો કરી રહ્યું છે. જો આપણે વરસાદી પાણીને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકી શકીશું, તો જ ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. જળસંગ્રહ એ માત્ર પાણી બચાવવાનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીને સુખી અને સંપન્ન બનાવવાનું અભિયાન છે.
ગ્રામસભામાં પાણીના એક-એક ટીપાની કિંમત સમજાવીને તેને જમીનમાં ઉતારવા માટેના વિવિધ નુસખાઓ અને પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી અને જળસંચયના આ અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ સાર્થક બેઠકમાં ગામના સરપંચ દુર્લભભાઈ કાપડીયા, કાપાભાઈ કોટડીયા, ભવેશભાઈ ઇદડ, મનસુખભાઈ કોટડીયા, છગનભાઈ રાખોલીયા, રસીકભાઈ કાપડીયા, ગોપાલભાઈ પટોડીયા, મનસુખભાઈ હીરપરા, અને હિમંતભાઈ રાખોલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ગામના દાતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને ગામના હિતમાં યોજાયેલા આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું અને પૂરો સહયોગ આપવાની ખાતરી આપી હતી.


