લાખાપાદર માં જળસંચયનો હુંકાર: ગીરગંગા દ્વારા જાગૃતિ બેઠક યોજાઇ
ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકીને જળસ્તર ઉંચા લાવવા આહવાન
અગ્ર ગુજરાત, રાજકોટ
અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લાખાપાદર ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય જળસંચય જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના જાગૃત સરપંચ અને ગ્રામજનોને જળશક્તિનું મહત્વ સમજાવવા અને આગામી સમયમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયાની ચર્ચાઓ કરવામાં આવી હતી.
ભરતભાઈ ટીલવા (ડી.એલ.વાલ્વ) એ પણ પાણીના મહત્વ અને તેના કરકસરભર્યા ઉપયોગ વિશે ગ્રામજનોને વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાણી એ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિનો આધાર છે. જળ સંચયના પ્રકલ્પો થકી જ ગામડાઓને આત્મનિર્ભર બનાવી શકાશે. બેઠકમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ આ જળ અભિયાનને વેગ આપવા અને ટ્રસ્ટની કામગીરીમાં ખભેખભા મિલાવીને સાથ આપવાનો ઉત્સાહપૂર્વક સંકલ્પ કર્યો હતો.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણી ભાવેશભાઈ સખીયા એ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, “ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” રોકવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જો આપણે અત્યારથી જ ચેકડેમો અને તળાવોના ઊંડા ઉતારવાના તેમજ રિચાર્જ કરવાના કાર્યોમાં સહભાગી નહીં થઈએ, તો આવનારી પેઢી માટે મોટું સંકટ ઊભું થશે. તેમણે ટ્રસ્ટ દ્વારા થતી કામગીરીની રૂપરેખા આપી લોકભાગીદારી વધારવા હાકલ કરી હતી.
આ બેઠકમાં ગામના અનિલભાઈ ગજેરા, હરિભાઈ રવજીભાઈ ગજેરા, ધનશ્યામભાઈ અરવિંદભાઈ ગજેરા, પરેશભાઈ ધીરુભાઈ ગજેરા, રજનીભાઈ રવજીભાઈ સારા સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ મીટીંગમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા, ભાવેશભાઈ સખીયા, ભરતભાઈ ટીલવા, ગીરધરભાઈ રૈયાણી, અરવિંદભાઈ ડોબરિયા, રમેશભાઈ ધાનાણી વગેરે લોકો મીટીંગમાં હાજર રહ્યા હતાં.


