શાપરમાં યુવાનનો પગની ઈજા અને અસહ્ય દુઃખાવાથી કંટાળી એસિડ પી આપઘાત
ડાયાબિટીસને કારણે ઓપરેશન શક્ય ન બનતાં નિરાશા વધી, સારવાર દરમિયાન રાજકોટમાં મોત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં એક હૃદયવિદારી બનાવ સામે આવ્યો છે, જેમાં માત્ર 20 વર્ષના યુવાને અસહ્ય શારીરિક પીડા અને નિરાશાને કારણે અંતિમ પગલું ભર્યું છે. પગમાં ગંભીર ઈજા થયા બાદ ડાયાબિટીસની સમસ્યાને કારણે ઓપરેશન શક્ય ન બનતાં સતત વધતા દુઃખાવાથી કંટાળીને યુવકે એસિડ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, શાપર વેરાવળના ભૂમિ ગેટ વિસ્તારમાં રહેતા નિતેશ નાજાભાઈ મકવાણા છેલ્લા કેટલાક વર્ષોથી ડાયાબિટીસથી પીડાતા હતા. આશરે દસ દિવસ પહેલાં તેઓ રસ્તા પર ચાલીને જતા હતા ત્યારે અચાનક ગાયની ઢીંકે ચડી જતા તેઓ પડી ગયા હતા અને તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી. ડોક્ટરોના કહેવા મુજબ ડાયાબિટીસના કારણે ઓપરેશન કરવું જોખમી હોવાથી સારવાર મર્યાદિત રહી હતી. આ પરિસ્થિતિમાં નિતેશને સતત અસહ્ય દુઃખાવો સહન કરવો પડી રહ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, આ પીડા અને બેફાયદા સારવારથી નિરાશ થઈ તેમણે ગત સવારે એસિડ પી લીધું હતું. તાત્કાલિક શાપરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાતે તેમનું અવસાન થયું હતું. આ બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકી મારફતે શાપર પોલીસને માહિતી આપવામાં આવી હતી અને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક નિતેશ બે ભાઈ અને એક બહેનમાં બીજા ક્રમે હતા, જ્યારે તેમના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.


