આપના એલાનની કાલે અગ્નિપરીક્ષા: સાંઢિયા પુલ ખૂલ્લો મૂકાશે? શહેરીજનોમાં ચર્ચાતો સવાલ
હાથમાં ગદા લઈ હનુમાનજીના નામે બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવાની આપની જાહેરાત: ભાજપે પોતાના ખિસ્સાથી નહીં પ્રજાના પરસેવાની કમાણીથી બ્રિજ નિર્માણ થયો છે: આપ
અગ્ર ગુજરાત, રાજકોટ
સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને લોકાર્પણ માટે મનપાના નવા સત્તાધીશોની રાહ જોવાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે આવતીકાલે તંત્ર દ્વારા લોકાર્પણ નહીં કરે તો આપ દ્વારા હાથમાં ગદા લઈ અને હનુમાનજીના નામે બ્રિજ જનતા માટે ખૂલ્લો મૂકાશે. આમ આદમી પાર્ટીના એલાનને લઈ લોકોમાં પણ આ બાબતે ચર્ચાઈ રહ્યું છે કે શું આપ પોતાના વચને ઉભી રહેશે? તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ-જામનગરને જોડતો આ મહત્વનો બ્રિજ, જે જૂનો સાંઢિયા પુલ હતો, તે ઘણા સમયથી બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ સત્તાધીશો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી. ભાજપના ચૂંટાયેલા નેતાઓ પોતે મેયર બની જાય પછી આ બ્રિજનું લોકાર્પણ કરવાની ગોઠવણ કરે છે. ભાજપે આ બ્રિજ પોતાના ખિસ્સાના પૈસાથી નથી બનાવ્યો, રાજકોટની જનતાએ ભરેલા વેરાના પૈસામાંથી આ બ્રિજનું નિર્માણ થયું છે.
મહાપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 74.25 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલા રાજકોટના આગામી 25 થી 30 વર્ષના ટ્રાફિક લોડને ધ્યાનમાં રાખીને આ મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના (SJMMSVY) હેઠળ બની રહેલો આ આધુનિક બ્રિજ એન્જિનિયરિંગનો એક શ્રેષ્ઠ નમૂનો છે. અગાઉનો વર્ષો જૂનો પુલ અત્યંત જર્જરિત અને સાંકડો થઈ ગયો હોવાથી વાહનોની લાંબી કતારો લાગતી હતી, જેથી તેને સંપૂર્ણપણે તોડીને તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ પુલ બંધ હોવાને કારણે એસ.ટી. બસો અને અન્ય તમામ ભારે વાહનોને શહેરના મુખ્ય આંતરિક માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, રૈયા રોડ અને રૈયા ચોકડી થઈને 150 ફૂટ રિંગ રોડ ડાયવર્ટ કરવામાં આવતા હતા. આ ડાયવર્ઝનના કારણે શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિકનું ભારણ અસહ્ય વધી ગયું હતું. હવે બ્રિજ ખુલ્લો થતાં આ તમામ ભારે વાહનો સીધા સાંઢિયા પુલ પરથી પસાર થશે, જેનાથી શહેરની આંતરિક ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે. જોકે આમ આદમી પાર્ટીના આક્રમક વલણને જોતા આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ જ સ્થાનિક રાજકારણનું કેન્દ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે.
તંત્ર પાસે સવારના ૧૧ વાગ્યા સુધીનો સમય: આપ
આવતીકાલ સુધીમાં બ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી હનુમાનજીનું નામ લઈને અને હાથમાં ગદા ધારણ કરીને ત્યાં પહોંચશે અને બ્રિજ ખુલ્લો મૂકી દેશે. તંત્રએ ગમે તેટલો જાપ્તો ગોઠવવો હોય એટલો ગોઠવી લે, પરંતુ આમ આદમી પાર્ટી ત્યાં જઈને બ્રિજ ખુલ્લો મૂકશે કારણ કે ભાજપના શાસકોએ હનુમાનજીના ઘણા મંદિરો તોડી પાડ્યા છે. મીડિયાના માધ્યમથી કમિશનરને વિનંતી છે કે આવતીકાલે જ આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવે જેથી અમારે આવા પગલાં ન ભરવા પડે, અન્યથા ‘આપ’ આ બ્રિજ ખુલ્લો કરાવશે તેવી ખુલ્લી ચેલેન્જ પણ તેઓએ આપી છે તંત્ર પાસે સવારના ૧૧ વાગ્યા સુધીનો સમય છે તેમ જણાવ્યું છે.


